અમદાવાદ, તા.૧૩
અમદાવાદ શહેરમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમા વરસેલા ૩૪ ઈંચ વરસાદને પરિણામે શહેરના વિવિધ વિસ્તારો ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વના ખરાબ થઈ ગયેલા રસ્તાઓ પૈકી ૩૩ રસ્તાઓ રીસરફેસ કરાવવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા ૨૫ કરોડનો ખર્ચ કરશે આ પાછળનું મુખ્ય કારણ આ તુટેલા રસ્તાઓ ડીફેકટ લાયબલિટીમા આવતા નથી.આ અંગેની વિગત એવી છે કે, આ સીઝનમાં અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમા કુલ મળીને ૩૪ ઈંચ ઉપરાંત વરસાદ વરસી ગયો છે જેની સામે અમદાવાદ શહેરમાં કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોડ બનાવનારા ત્રણ કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ તો કરવામા આવ્યા છે.પરંતુ હકીકત એ છે કે જે તે સમયે આ કોન્ટ્રાકટરોને ટેન્ડર દ્વારા આપવામા આવેલી કામગીરી દરમિયાન જે શરતો રાખવામા આવી હતી આ શરતોમાં તેમના દ્વારા બનાવવામા આવેલા રસ્તાઓ પૈકી કેટલા કિલોમીટરના રસ્તાઓ ડીફેકટ લાયબલિટી હેઠળ રહેશે એ બાબત પણ નકકી કરવામા આવી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલે એક વાતચીતમા કહ્યુ છે કે,અમદાવાદ શહેરના તુટેલા રસ્તાઓ પૈકી કુલ મળીને ૫૭.૨૯ કિલોમીટરના રસ્તાઓ પૈકી ૩૩ કિલોમીટરના રસ્તાઓ એ કોન્ટ્રાકટરોની ડીફેકટ લાયબલિટી હેઠળ આવતા નથી.આ કારણસર આ તમામ રસ્તાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટ દ્વારા જ રીસરફેસ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.આ રસ્તાઓ પૈકી મોટાભાગના રસ્તાઓ પશ્ચિમ અને પૂર્વ ઝોનના હોવાનુ પણ તેમણે કહ્યુ છે.રોડ પ્રોજેકટના હીતેશ કોન્ટ્રાકટરે કહ્યુ કે,અમે આ રોડ રીસરફેસ કરવા માટેની તમામ તૈયારી કરી લીધી છે અને વરસાદ રોકાશે કે તરત જ આ તુટી ગયેલા રસ્તાઓને રીસરફેસ કરવાની કામગીરી શરૂ કરવામા આવશે.