અમદાવાદ,તા.૧૭
અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના તાબા હેઠળ આવતા શાહીબાગ સ્થિત મુસાસુહાગ કબ્રસ્તાન કે જે વકફની મિલકત છે. તેમાં ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હોવાથી તે અટકાવવા ઈન્સાફ ફાઉન્ડેશનના પ્રમુખ મોહમ્મદ કલીમ સિદ્દીકીએ ધી ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યૂનલ ગાંધીનગરમાં અરજી કરી છે અને આ કબ્રસ્તાનમાં થતું બાંધકામ અટકાવવા તેમજ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અને જમીન અરજદારને પરત અપાવવા હુકમ કરવા અને કૌભાંડની ઉંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓ સામે કાયદેસરના પગલાં ભરવા માગણી કરવામાં આવી છે.
ધી ગુજરાત રાજય વકફ ટ્રિબ્યૂનલમાં અરજી કરી અરજદાર મોહમ્મદ કલીમ સિદ્દીકીએ જણાવ્યું છે કે, અમારી જાણ મુજબ મુસાસુહાગ કબ્રસ્તાનની આશરે ૧પ૦૦ ચો. વાર જમીન રજિયાબાનું અબ્દુલ સમદ લોખંડવાલાને ભાડા પટ્ટે આવી હતી. જેનું કોઈ રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું આની એન્ટ્રી રેવન્યુ રેકોર્ડમાં પડાવી હતી. પરંતુ પરવાનગી ન હોવાથી એન્ટ્રી રદ કરવામાં આવી હતી. આ એન્ટ્રી રદ થતા તેઓએ ફરીથી આજ જગ્યા માટે સીમ્મી એસોસિએટસ નામે ભાગીદારી પેઢીના નામે એન્ટ્રી પડાવી હતી. જે પણ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ રજિયાબાનુને આ જમીન ર વર્ષ ૧પ માસ માટે ભાડે આપી હતી. જેની ૧૪-૭-૯૩ના રોજ એન્ટ્રી પડી હતી.
આ જગ્યાનો કબજો ૧૪-૬-૯૬ના રોજ પરત લેવાનો થતો હોવા છતાં કબજો પરત ન લેતા રજિયાબાનું ગેરકાયદેસર કબજેદાર બન્યા હતા.
દરમ્યાન વર્ષ ર૦૦૧માં વકફ બોર્ડ પ્લોટ નં. ૯૪ની ૩૩૩૬ ચો.મી. જમીન રાજગીરી ઓનર્સ એસોસિએશનને એલોટ કરી હતી. જયારે ૩૯૦૬ ચો.મી. જમીન સુમતિનાથ (શાહીબાગ) કો. ઓ.હા.સો.ને ૩ વર્ષ માટે એલોટ કરી હતી. ત્યારબાદ ફકત દેખાવ પૂરતું જ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીએ પ્રમુખ મઝહર હુસેન ફારૂકી રાજગીરી ઓનર્સ એસો. સામે અમદાવાદ સિટી સિવિલકોર્ટમાં દીવાની દાખલ કરી આ જમીન ભાડે આપેલ છે તે ગેરકાયદેસર કરાવી આ મિલકત કોર્ટ ખાલી કરાવી વકફ કમિટીને કબજો સોંપે તેવો હુકમ કરવા જણાવ્યું હતું. અરજદાર કલીમ સિદ્દીકીએ વધુમાં જણાવ્યું હતું કે વકફ કમિટીએ ૧૯૮પમાં રજિયાબાનુને કબ્રસ્તાનની જમીન ભાડા પટ્ટે આપી હતી. તે અંગે જોઈન્ટ ચેરિટી કમિશનરે હુકમ કર્યો હતો કે વકફ કમિટી રજિયાબાનુ પાસેથી જમીન પરત લે. આ હુકમથી નારાજ વકફ કમિટીના પ્રમુખ મઝહર હુસેન ફારૂકીએ હાઈકોર્ટમાં રીટ કરી એ રીતે કમિશનરે કરેલ હુકમ સ્થગિત કરાયો હતો. આથી વકફ કમિટીના એક ટ્રસ્ટીએ સુમતિનાથ (શાહીબાગ) કો.ઓ. હા.સો.ના ભાડા પટ્ટાને રદબાતલ કરાવવા દીવાની દાવો દાખલ કર્યો હતો. ર૦૦૧માં વકફ કમિટીના પ્રમુખે રાજગીરી ઓનર્સ એસો. તેમજ સુમતિનાથને ભાડા પટ્ટે આપી દીધી હોવાથી તે માટે વકફ બોર્ડની પરવાનગી માંગી હતી. પરંતુ વકફ કમિટીના પ્રમુખ મઝહર હુસેને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ સ્પે. સિવિલ એપ્લિકેશન પેન્ડીંગ હોવાથી વકફ બોર્ડે પરવાનગી આપી ન હતી. આથી પ્રમુખે હાઈકોર્ટમાંથી રિટ પરત ખેંચી હતી અને રાજગીરી ઓનર્સ એસો. તેમજ સુમતિનાથ (શાહીબાગ) સોસાયટીએ આપેલ પરમીશન વકફ બોર્ડે રદ કરી હતી. આ હુકમને પડકારવા તેઓએ સ્પે. સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. હાઈકોર્ટમાં વકફ બોર્ડ તરફથી કોઈ વકીલ હાજર ન રહેતા ર૦-૧ર-ર૦૦૪ના હુકમથી હાઈકોર્ટે વકફ બોર્ડને રિમાન્ડ કર્યા હતા. ત્યારબાદ દીવાની દાવો કોર્ટમાં દાખલ કરાતા તેમાં સમાધાન કરી ભાડાપટ્ટાને ર૦૩૦ સુધી લંબાવી આપેલ છે.
ત્યારબાદ ગુજરાત રાજ્ય વકફ બોર્ડે તા.ર૭-૭-ર૦૦૬ના હુકમથી જૂના બધા જ કરારો રદ કરી રાજગીરી ઓનર્સ એસો. તથા સુમતિનાથ (શાહીબાગ) સોસાયટીને૩પ મહિના માટે લીઝ વધારી આપી હતી. આજ જગ્યાએ બાંધકામ પુરજોશમાં ચાલુ છે અને જો બધા જ કાગળો જોયા બાદ વકફની જગ્યા પર બાંધકામ અટકાવવા માગણી કરી અરજદાર સિદ્દીકીએ જણાવ્યું છે કે મારી જાણ મુજબ મુન્સફખાન પઠાણ, ઝહીરૂદ્દીન સમસુદ્દીન, મુખત્યાર મોહમ્મદમિયાં અને મોહમ્મદખાન ઈજજતખાન ખોખરે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. જેની આખરી, સુનાવણી દરમ્યાન ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યૂનલની રચના થતા તા.૪-૪-૧૬ના હુકમ પ્રમાણે આ વૈકલ્પિક વિકલ્પ હોવાથી ટ્રિબ્યૂનલ સમક્ષ રજૂઆત કરવાની પરવાનગી આપી હતી. પરંતુ દોઢ વર્ષ વિતી ગયા છતાં આ ચારે અરજદારોએ ટ્રિબ્યૂનલમાં ગમે તે કારણસર અરજી ન કરતા મારે અરજી દાખલ કરવી પડી છે.