નવી દિલ્હી, તા.૨૯
કેનેડામાં ચાલી રહેલી ગ્લોબલ ટી૨૦ લીગમાં શાહિદ આફ્રિદીએ ધમાકેદાર બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા છે. આફ્રિદીએ બ્રેમ્પ્ટન વૂલ્વ્સ તરફથી રમતા એડમોન્ટલ રોયલ્સના બોલરોની બરાબર ધોલાઈ કરી હતી. બ્રેમ્પ્ટન વૂલ્વ્સે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૨૦૭ રનનો સ્કોર ખડકી દીધો હતો, જેના જવાબમાં એડમોન્ટન રોયલ્સ ટીમ નવ વિકેટ ગુમાવીને ૧૮૦ રન બનાવી શકી હતી અને ૨૭ રનથી મેચ હારી ગઈ હતી.
બ્રેમ્પ્ટન વૂલ્વ્સને લેન્ડલ સિમન્સ અને જ્યોર્જ મન્સે તોફાની શરૂઆત આપી હતી. બંનેએ ૨૫ બોલમાં ૪૩ રન કર્યા હતા. જે બાદમાં મુનરો અને નીતિશ કુમાર ફટાફટ આઉટ થઈ ગયા હતા. જો કે, લેન્ડસ સિમન્સે ૩૪ બોલમાં ૫૯ રન ફટાકારી દીધા હતા. જે બાદમાં એડમોન્ટન રોયલ્સની બોલિંગ પર આફ્રિદી નામનું ‘વાવાઝોડું’ આવ્યું હતું. પાકિસ્તાનના ૪૦ વર્ષના ખેલાડીએ ૪૦ બોલમાં ૮૧ રન ફટકાર્યા હતા. આફ્રિદીએ આક્રમક રમત રમતા પાંચ છગ્ગા અને ૧૦ ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે ૭૦ રન તો ફક્ત ૧૫ બોલમાં ફટકાર્યા હતા.
શાહિદ આફ્રિદીએ તોફાની બેટિંગ કર્યા બાદ ટિ્‌વટર પર રસપ્રદ પોસ્ટ કરી હતી. આફ્રિદીએ ટિ્‌વટર પોસ્ટમાં લખ્યું કે, “શેર અભી ઝિંદા હૈ.”