(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧
લોકોની ચિંતા પોતાને હૈયે હોવાની અને લોકોની સુવિધા-પ્રગતિ માટે કરોડોનો ખર્ચ સંખ્યાબંધ કામો કર્યા હોવાની વારંવાર ગુલબાંગો ભાજપ સરકાર પોકારતી રહે છે ત્યારે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કેવડિયા કોલોની ખાતેની આજની સભામાં મુખ્યમંત્રીને મળવા અને રજૂઆત કરવા સ્ટેજ તરફ ધસી આવેલી આર્મીના શહીદ કર્મચારીની દીકરીને પોલીસે મળવા તો ના દીધી પરંતુ તેને પકડી ઢસડીને સાઈડમાં ધકેલી દેતા હોબાળો થઈ જવા સાથે લોકોમાં આશ્ચર્ય પણ ફેલાવવા પામ્યું હતું. વિધાનસભાની ચૂંટણી માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોનીમાં જાહેરસભા સંબોધી રહ્યા હતા ત્યારે એક યુવતીએ મારે સી.એમ.ને મળવું છે. કહી સ્ટેજ તરફ દોડી જતા હોબાળો મચી ગયો છે. મુખ્યમંત્રીના ભાષણ દરમ્યાન લશ્કરના એક શહીદની પુત્રી મુખ્યમંત્રીને મળવાની જિદ કરી રહી હતી. આ યુવતી શહીદ અશોક તડવીની દીકરી છે તે મુખ્યમંત્રી રૂપાણીને જમીન મામલે કોઈ રજૂઆત કરવા માગતી હતી. જો કે પોલીસે તેને મુખ્યમંત્રીને મળવા દીધી ન હતી. ઉલ્લેખનીય છે કે ચાલુ સભામાં આ યુવતી મુખ્યમંત્રીને મળવું છે કહી સ્ટેજ તરફ દોડવા લાગી હતી. ત્યાં જ મહિલા પોલીસ કર્મચારીઓએ તે યુવતીને પકડી ઢસડીને સાઈડમાં ધકેલી દીધી હતી જો કે ચાલુ સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેને મળવા આવવા દેવાનું કહેવાના બદલે આ બેનને સાઈડમાં લઈ જાઓ પછી મળુ છું તેવું કહી સંબોધનમાં વ્યસ્ત જતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. જો કે યુવતી તો માની ન હતી અને તેમને મળવાની જિદ કરી રહી હતી. તેથી આ યુવતીને ૩થી ૪ મહિલા પોલીસ કર્મચારીઓ ઢસડીને સાઈડમાં લઈ ગઈ હતી. તેને પગલે સભામાં હોબાળો મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા મહિલાઓને સંબોધન કરી મહિલાઓની સમસ્યા અંગે ચર્ચા કરવાના છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા આ યુવતીની કરાયેલી અવગણનાની લોકો ભારે ટીકા કરી રહ્યા છે.