(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે દિલ્હીના શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા મોટા ભાગના દેખાવકારોએ સુપ્રીમકોર્ટના મધ્યસ્થીઓને જણાવ્યું કે સુપ્રીમકોર્ટે સીએએ નાબૂદ કરવાની તેમની માગણી અંગે પ્રથમ નક્કી કરવું જોઇએ. સુપ્રીમકોર્ટના વકીલો સંજય હેગડે અને સાધના રામચંદ્રને મહત્વનો આ રોડ ખાલી કરાવવા માટે મધ્યસ્થી કરવાના પ્રયાસના એક ભાગરૂપે બીજા દિવસે પણ શાહીન બાગની મહિલાઓને સમજાવ્યા હતા. મધ્યસ્થીઓ સીએએના ભાવિ અંગે માહિતી આપશે, એવી ગેરસમજને કારણે અગાઉ ઘણા દેખાવકારોએ કાયદો નાબૂદ નહીં થાય ત્યાં સુધી રોડ ખાલી નહીં કરવાનો તેમનો સંકલ્પ દ્રઢ બનાવ્યો હતો. શાહીન બાગમાં દેખાવકારો સાથેની મંત્રણામાં વારંવાર વિક્ષેપ પડતો હોવાથી નાના જૂથોમાં દેખાવકારોને મળવાની મધ્યસ્થીઓની વિનંતી અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઘણી સમજાવટ બાદ હેગડે અને રામચંદ્રને મીડિયાને મંચથી દૂર રાખવામાં સફળ થયા હતા. બે દાદીમાએ પત્રકારોને જણાવ્યું હતું કે સીએએ અંગે કોર્ટ ઝડપથી નક્કી કરે તો કોઇ પણ ફોર્મેટમાં બોલવા માટે તેઓ તૈયાર છે. બિલકિસ બાનોએ જણાવ્યું કે અમને કોર્ટ પર ભરોસો છે. બાબરી મસ્જિદ અંગે સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ અમે શાંત રહ્યા. એવી જ રીતે મારી સમસ્યા અંગે પણ ચુકાદો આપો. બ્લોક કરવામાં આવેલા અન્ય બધા માર્ગો તેમને ખોલવા દો. મહેરૂન્નીસાએ જણાવ્યું ેક આ માત્ર અમારો મુદ્દો નથી પરંતુ સમગ્ર દેશનો મુદ્દો છે. અમે કોર્ટ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરી શકીએ તેના માટે નાના જૂથોમાં તેઓ અમારા ઇન્ટરવ્યૂ લઇ શકે છે.