(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સુપ્રીમકોર્ટે આજે વકીલો સંજય હેગડે અને સાધના રામચંદ્રનને જણાવ્યું હતું કે, તેઓ શાહીનબાગના પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરે અને એમને પ્રદર્શનો અન્ય સ્થળે ખસેડવા સમજાવે જ્યાં કોઈ પણ જાહેર સ્થળ બ્લોક નહીં થતું હોય. એમને મદદ કરવા માટે વજહત હબીબુલ્લાહ, ચંદ્રશેખર આઝાદને કહ્યું હતું. શાહીનબાગ ખાતે સીએએના વિરોધમાં બે મહિનાથી ચાલી રહેલ પ્રદર્શનો દરમિયાન રોડ બંધ હોવાથી ઘણાં બધા લોકોએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી પ્રદર્શનોનો અંત લાવવા અથવા રોડ ખુલ્લો કરવા અરજીઓ દાખલ કરેલ છે. જે અરજીઓની સુનાવણી જજ એસ.કે.કૌલ અને કે.એમ.જોસેફે કરી હતી. એમણે કહ્યું હતું કે, અમે એ વાતની ચિંતા છે કે, આ રીતે લોકો રસ્તાઓ બ્લોક કરી પ્રદર્શનો કરશે તો શું થશે ? લોકશાહીમાં પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા છે પણ એમાં મર્યાદાઓ હોવી જોઈએ. સુપ્રીમકોર્ટે કહ્યું કે, કોઈ કાયદા બાબત વિરોધ કરવાનો મૂળભૂત અધિકાર છે પણ એના માટે રોડ બ્લોક કરી લોકોને અગવડ થાય એ કઈ રીતે ચલાવી લેવાય. બન્ને વચ્ચે સમતોલન જાળવવું જોઈએ. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, એવો સંદેશ નહીં જવો જોઈએ કે બધી સંસ્થાઓ શાહીનબાગ સમક્ષ ઘૂંટણિયે પડી છે. કોર્ટે કહ્યું કે, જો કોઈ પરિણામ નહીં આવે તો અમે સત્તાવાળાઓને પરિસ્થિતિ ઉકેલવા છૂટ આપીશું. સુપ્રીમકોર્ટે ૧૦મી ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, પ્રદર્શનોથી લોકોને અગવડ થવી ન જોઈએ પણ એમણે વચગાળાનો આદેશ આપવા ઈન્કાર કર્યો હતો. જજ કૌલે કહ્યું જાહેર સ્થળ ઉપર અચોક્કસ મુદ્દત માટે પ્રદર્શનો નહીં થવા જોઈએ. જો લોકો બધા સ્થળોએ પ્રદર્શનો શરૂ કરશે તો શું થશે ?