(એજન્સી) લખનઉ, અલ્હાબાદ, કોલકાતા, પટણા, દિલ્હી, તા.૨૧
દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં નાગરિકતા સુધારા કાયદો પસાર થયા બાદથી સતત દેખાવો થઇ રહ્યાં છે અને આ દેખાવોનું જે રીતે મહિલાઓએ નેતૃત્વ કર્યુ છે તેની અસર સમગ્ર દેશભરમાં જોવા મળી છે. લખનઉ, અલ્હાબાદ, કોલકાતા, પટણામાં પણ દિલ્હીના શાહીનબાગની મહિલાઓથી પ્રેરણા લઈને દેશભરમાં સીએએ તથા પ્રસ્તાવિત એનઆરસી વિરુદ્ધ અવાજ ઊઠાવ્યો. તેઓએ સ્પષ્ટ કરી દીધું છે કે અમે ગભરાવાના, છેતરાવાના નથી. અમે કાળા કાયદાને પાછા ખેંચી લેવા સુધી અમારા સંઘર્ષનો અંત નહીં લાવીએ. લખનઉ યુનિવર્સિટીની ૨૧ વર્ષીય ફિજિયોલોજીની વિદ્યાર્થીની સુબુલ અહેમદ કહે છે કે હું અગાઉ ઠંડીના સમયે ક્લાસ અટેન્ડ કરવા કે ન કરવા તે અંગે મુંઝાઈ જતી હતી પરંતુ આ વખતે હાડ થીજવતી ઠંડી હોવા છતાં મેં અલ્ટરનેટનો વિકલ્પ પસંદ કરી લીધો. હું દેખાવોમાં પણ જતી અને પછી ક્લાસમાં પણ જતી હતી. બંને મારી પ્રાથમિકતામાં આવી ગયા. હું દેખાવોમાં રોજ જઈ શકતી ન હતી પરંતુ ક્યારેય ક્યારેક જઉં છું. ૧૫ જાન્યુઆરીએ લખનઉમાં દેખાવોની શરૂઆત થઈ હતી અને હાલ તેને ૨૫ દિવસ પૂરાં થઈ ચૂક્યા છે. અલ્હાબાદના મનસૂર અલી પાર્કમાં સીએએ તથા એનઆરસી વિરુદ્ધ દેખાવોમાં જોડાનાર શહાના કૌસર ચાર બાળકોની માતા છે. કૌસર તેના રોજના કામ ૧૦ વાગ્યા સુધી પતાવીને બે વાગ્યા સુધી દેખાવોમાં જોડાઇ જાય છે. ક્યારેક તે ૪ વાગ્યા સુધી પણ ત્યાં રોકાય છે. કૌસર અને તેની નણંદ વારાફરતી દેખાવોમાં હાજરી આપવા પહોંચે છે. તે કહે છે કે અમે અમારા બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યાં છીએ. પટણામાં સબઝી બાગ ખાતે દેખાવ કરનારા સલમા નૂરી કહે છે કે એક માતા તરીકે તમારા માટે બાળક જ મહત્ત્વપૂર્ણ હોય છે. જામિયા અને જેએનયુમાં પણ બાળકો જ છે. તે ભલે વિદ્યાર્થી છે પણ અમારા બાળકો જેવા છે. અમે તેમના અધિકારો માટે લડી રહ્યાં છીએ. કોલકાતામં પાર્ક સર્કસ ખાતે ફરહત રહેમાન કહે છે કે હું મારી ૧૨ વર્ષની બાળકીને સ્કૂલે મૂકીને, જમવાનું રાંધી દેખાવોમાં જતી રહું છું. ત્યાં ભલે ગમે તેટલી ઠંડી પડતી હોય અમે ટસથી મસ નથી થતાં. તે કહે છે કે તમામ મુસ્લિમ મહિલાઓએ આ સ્થિતિને સમજવી પડશે અને આપણા અધિકારો તથા ભાવિની સુરક્ષા માટે આપણે આગળ આવવું જ પડશે. જોકે ૬૫ વર્ષીય વહીદન કહે છે કે હું શાહીન બાગ ખાતે મજબૂત રીતે દેખાવોમાં સામેલ છું. હું અહીં રોજ સવારે ૧૦ વાગ્યે પહોંચી જઉછું અને રાત્રિના આ૮ વાગ્યા સુધી રોકાઈ જઉં છું. અહીં જામિયામાં દેખાવો કરનારા કેહકશાં કહે છે કે અમને કોઈ રૂપિયા મળતા નથી. જોકે તેમ છતાં ભાજપના લોકો અમારી સામે ગંદા આરોપો મૂકે છે. અમારા ઘરે કામ કરનારી બાઈને જ અમે ૫૦૦ રૂપિયાથી વધુ પગાર ચૂકવીએ છીએ.