(એજન્સી) તા.૧૬
તાજેતરમાં મશહુર પીઢ અભિનેતા દિલીપકુમારની તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરાયા હતા અને કિડની સંબંધીત બીમારીની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ અભિનેતાની તબિયતમાં સુધારો થયો હતો અને એક અઠવાડિયા પૂર્વે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દિલીપકુમારને રોલમોડલ અને હિંદી સિનેમાના આધારસ્તંભ માનતા શહારૂખખાને આજે તેમની મુલાકાત લીધી હતી. શહારૂખખાને અગાઉ જણાવ્યું હતું કે દિલીપસાહબ માટે આઇકોન શબ્દ પણ ઓછો પડે છે. તેઓ ફિલ્મ ઉદ્યોગના પિતામહ અને આધારસ્તંભ છે. એક ઉત્કૃષ્ઠ અભિનેતા હોવા ઉપરાંત તેઓ એક મહાન માનવી છે. હું તેમને અંગત રીતે ઓળખું છું એટલે આ કહી શકું છું. દિલીપકુમાર પણ શહારૂખખાનને અત્યંત ચાહે છે. અગાઉ દિલીપકુમારે કહ્યું હતું કે શાહરૂખ એક જાદુગર છે. શાહરૂખ હંમેશા પ્રેમાળ અને સન્માનનીય છે. મને ખબર છે કે સાયરા શહારૂખખાનને ખૂબ પસંદ કરે છે. દિલીપકુમારને તાજેતરના વર્ષોમાં કેટલીક તબીબી તકલીફો થઇ હતી. તેમને આ વર્ષના આરંભે પણ તાવ અને ચક્કર આવવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૯૪ વર્ષના અભિનેતાની હવે તબિયત સારી છે. વ્યાવસાયિક મોરચે શહારૂખખાન અત્યારે આનંદ એલ રાયની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યા છે કે જેમાં શાહરૂખ એક સામાન્ય વ્યક્તિની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં ‘જબ તક હૈ જાન’ની અભિનેત્રીઓ કેટરીના કેફ અને અનુષ્કા શર્મા પણ તેની સાથે કામ કરશે. આ વર્ષે છેલ્લે શાહરૂખખાનની રઇસ ફિલ્મ રિલીઝ થઇ હતી. હવે આગામી ફિલ્મ ૨૧ ડિસે.૨૦૧૮ના રોજ રિલીઝ થનાર છે જેનું નામ હજુ નક્કી થયું નથી.