(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
દેશના ધર્મ આધારે ભાગલા માટે ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા બાદ કોંગ્રેસના નેતા શશિ થરૂરે વળતો પ્રહાર કરી કહ્યું કે ભાજપના પ્રમુખે ઈતિહાસ તરફ ધ્યાન આપ્યું નથી. હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ બે રાષ્ટ્રોની થીયરીના પ્રણેતા હતા. લોકમત નેશનલ કોન્લેવમાં રોલ ઓફ ધ રીજીઓનલ પાર્ટીસ ઈન ઈન્ડિયન પોલીટિકસમાં બોલતા શશિ થરૂરે કહ્યું કે ભાજપના હિન્દી, હિન્દુત્વ અને હિન્દુસ્તાનના વર્ણનની સામે પ્રાદેશિક રાજ્યોમાં વિરોધ વધી રહ્યો છે. દક્ષિણમાં હિન્દી અસ્વીકાર્ય છે. જે ભાજપ ઈચ્છે છે. ગૃહમંત્રીએ દેશભરમાં એનઆરસી લાગુ કરવાની કરેલી વાત ગંભીર સમસ્યાઓ લાવશે. જ્યાં પ્રાદેશિક પક્ષો રાજ કરે છે. શશિ થરૂરે કહ્યું કે સમગ્ર આઝાદીની ચળવળ દરમ્યાન માત્ર કોંગ્રસ એક પાર્ટી હતી જેણે દરેક લોકો અને ધર્મને આઝાદીની ચળવળ માટે એક સાથે ઊભા કર્યા. માત્ર હિન્દુ મહાસભા તે માટે સંમત ન હતી. જેનો ૧૯૩પમાં હિન્દુ-મુસ્લિમ બે રાષ્ટ્રોની થીયરીનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ અલી જીન્નાહની મુસ્લિમ લીગે પણ આજ થીયરી અપનાવી હતી. ૧૯૪પ સુધી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મુસ્લિમ નેતા મૌલાના આઝાદ હતા. કોંગ્રેસ મૂળભૂત રીતે ધર્મ આધારિત રાષ્ટ્રની વિરૂદ્ધમાં હતી. દરેક વસ્તુ માટે કોંગ્રેસ પર આરોપ મૂકાય છે. હવે દિલ્હીમાં ખરાબ વાતાવરણના કારણ માટે પણ કદાચ શાહ કોંગ્રેસને દોષિત બતાવશે. કેન્દ્ર દ્વારા આસામમાં એનઆરસીના કારણે ઉતાવળે બિલ લવાયું. મુસ્લિમોને હવે ઘણા પુરાવાનું ભારણ વધ્યું છે. કાશ્મીરમાં ૩૭૦ હટાવ્યા પછી શાંતિથી લોકોને દબાવીને રખાયા છે. શેરીઓમાં દળો ફરે છે. દુર્ભાગ્યવશ ઉગ્રવાદીઓએ પણ તેમના પર નિયંત્રણ મૂક્યા છે. શહેરોમાં માત્ર ૩ કલાક માટે દુકાનો ખુલે છે. સામાન્ય સ્થિતિ નથી. દરેક વ્યક્તિ પોતાની રીતે જીવી શકે અને દેખાવો ન કરે તેને સામાન્ય સ્થિતિ કહેવાય.