National

રાફેલ મુદ્દાની તપાસ ન કરવા બાબતે શશિ થરૂરે મીડિયાને ઠપકો આપ્યો

(એજન્સી) તા.૪
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બુધવારે કહ્યું હતું કે, રાફેલનો મુદ્દો બોફોર્સના મુદ્દા કરતાં ર૦ ગણો વધારે મોટો છે, પરંતુ મીડિયા બોફોર્સને જેટલું મહત્ત્વ આપતી હતી તેટલું મહત્ત્વ રાફેલને આપતી નથી. તેમણે કહ્યું હતું કે એંશીના દશકના અંતમાં મીડિયાએ સતત બોફોર્સનો મુદ્દો ચગાવ્યો હતો અને જેના કારણે તે વખતના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની છબિ ખરડાઈ હતી જેના પરિણામ સ્વરૂપે ૧૯૮૯ની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. થરૂરે કહ્યું હતું કે, ૧૯૮૦ના દશકમાં એક પણ દિવસ એવો ન હતો કે મીડિયાએ બોફોર્સ મુદ્દાને ન ચગાવ્ય હોય. બોફોર્સમાં ખરેખર શું થયું હતું તે તપાસવા માટે વિશ્વભરમાં પત્રકારોને મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આજે પૈસાની દૃષ્ટિએ રાફેલ કૌભાંડ ર૦ ગણો મોટો છે પરંતુ મીડિયા તેને પહેલાં જેવું મહત્ત્વ આપતી નથી. રાફેલ મુદ્દા વિશે તપાસ કરવાની કોઈ હિંમત નથી અને આ પ્રકારના કૌભાંડમાં મીડિયા કોઈપણ પ્રકારની તપાસ કરતી નથી ને ખરેખર નિરાશાજનક છે.