(એજન્સી) ઢાકા,તા.૩૧
શેખ હસીનાની પાર્ટી આવામી લીગે સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશમાં પ્રચંડ બહુમતથી જીત મેળવી છે. રવિવારે મોડી રાત્રે આવેલા પરિણામો બાદ તેનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ચૂંટણી સમયે થયેલી રાજકીય હિંસામાં સમગ્ર દેશમાં ૧૭ લોકો મોતને ભેટયા હોવાના સમાચાર છે. વિપક્ષી પાર્ટીઓએ મતદાનમાં ગરબડીનો આરોપ મુકીને પુનઃ ચૂંટણી યોજવાની માગણી કરી છે.
મીડિયાના અહેવાલ મુજબ, આવામી લીગના નેતૃત્વમાં બનેલા ગઠબંધને ૩૦૦માંથી ર૮૮ બેઠકો પર પ્રચંડ જીત મેળવી છે. ખાનગી ચેનલના જણાવ્યા અનુસાર, ૩૦૦માંથી ર૯૯ બેઠકોના પરિણામો આવ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક બેઠક પરના ઉમેદવારનું નિધન થયું હોવાથી તે બેઠકની ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, બે બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. બાંગ્લાદેશ ચૂંટણી કમિશનના જણાવ્યા પ્રમાણે, હસીનાને દક્ષિણ પશ્ચિમી ગોપાલગંજ સીટથી જીત મળી છે. તેમને ર,ર૯,પ૩૯ વોટ મળ્યા છે. જયારે તેમના વિરૂધ્ધ બીએનપીના ઉમેદવારને માત્ર ૧ર૩ વોટ મળ્યા છે. એનયુએફ ગઠબંધનમાં બીએનપી, ગોનો ફોરમ, જતિયા સમાજ તાંત્રિક દળ (જેએસડી), નાગોરિક ઓકાયા અને કૃષક શ્રમિક જનતા લીગમાં સામેલ છે. એનયુએફના સંયોલજ કમલ હુસેને કહ્યું કે અમે ચૂંટણી પરિણામોનો સ્વીકાર કરતા નથી. અમારી પાસે દરેક સેન્ટરમાં થયેલા ગોટાળાનો રિપોર્ટ છે. અમારી ચૂંટણી પંચને માગ છે કે આ ચૂંટણીને તુરત રદ કરવામાં આવે. બીજી બાજુ બીએનપીના જનરલ સેક્રેટરી મિર્ઝા ફખરૂલ આલમગીરે આ ચૂંટણીને ક્રૂર મજાક ગણાવી છે. ચૂંટણીપંચના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં હિંસાની ૧૦૦ ફરિયાદ મળી છે. માનવામાં આવે છે કે મૃત્યુ પામનાર લોકોમાં મોટા ભાગના સત્તા પાર્ટીના કાર્યકર્તાઓ છે. બાંગ્લાદેશમાં ચૂંટણી હિંસાની આશંકાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે ૬ લાખ સુરક્ષા જવાનોને તહેનાત કર્યા હતા. ઈલેકશન કમિશનર નરૂલ હુડાએ જણાવ્યું કે દેશમાં અંદાજે ૧૦.૪૧ કરોડ મતદાતાઓ છે. અમુક ઘટનાઓને બાદ કરતા ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. સુરક્ષાના કારણે મતદાન દરમ્યાન ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શેખ હસીનાનું એક વાર ફરીથી વડાપ્રધાન બનવું એ ભારત માટે પણ રાજદ્ધારી રીતે એક સારા સમાચાર હોવાનું માનવામાં આવે છે. તેમની આવામી લીગ પાર્ટી ભારત પ્રત્યેના નરમ વલણ માટે જાણીતી છે.