(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બિટકોઈન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઈમે શૈલેષ ભટ્ટ સામે ગુનો દાખલ કર્યો છે.સીઆઈડી ક્રાઈમની ટીમે શૈલેષ ભટ્ટ સામે અપહરણ, મારામારી અને બિટકોઈન તોડનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. શૈલેષ ભટ્ટ પર આશરે ૧૩૧ કરોડના બિટકોઈન પડાવી લેવાનો આરોપ છે. જો કે હાલ તો સીઆીડી ક્રાઈમે આ કેસમાં શૈલેષ ભટ્ટના ભાણા નિકુંજ ભટ્ટની ઘરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સીઆઇડી ક્રાઇમના ડીજી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે કેસમાં મોટાભાગના આરોપીઓ ઝડપાઈ ગયા છે. જ્યારે નલિન કોટડિયા આ કેસમાં વોન્ટેડ છે જેમને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે બિટ કનેકટ કંપની બનાવી હતી જેમાં દેશ વિદેશના લોકો દ્વારા રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતુંં. શૈલેષ ભટ્ટે આ સ્ક્રીમમાં બે કરોડનું રોકાણ કર્યું હતું. તેમજ સુરતના અનેક લોકોએ પણ આ સ્ક્રીમમાં રોકાણ કર્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરી ૨૦૧૮માં આ કંપની ડુબી ગઇ હતી. જેમાં શૈલેષ ભટ્ટના પણ નાણા ડુબતા તેણે પિયુષ સાવલીયા અને ધવલ માવણીનું અપહરણ કર્યું હતું. ધવલ માવણી ટેકનોલોજીનો જાણકાર હોવાથી તેની મદદથી શૈલેષ ભટ્ટે રર૫૬ બિટકોઈન પોતાના ખાતમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.જેની બજાર કિંમત ૧૩૧ કરોડ રૂપિયા થાય છે.ત્યાર બાદ મુંબઈથી આંગડીયા પેઢી મારફતે આ નાણાં મંગવવામાં આવ્યા હતા. આ કેસમાં શૈલેષ ભટ્ટને તેની ભાણા નિકુંજ ભટ્ટે પુણ મદદ કરી હતી. સીઆઈડી ક્રાઈમે હાલ નિકુંજ ભટ્ટની ઘરપકડ કરીને શૈલેષ ભટ્ટને ઝડપી પાડવા ચક્રો ગતિ માન કર્યો છે. તેમજ નલિન કોટડિયાને ઝડપવા માટે પણ પ્રયત્નો હાથ ધરાયા હોવાનું જાણવા મળે છે.