અંકલેશ્વર, તા.૪
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે અંકલેશ્વરના શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. અંકલેશ્વર માર્કેટમાં મોટા ભાગે મહારાષ્ટ્રથી આવતી શાકભાજી આંદોલનના કારણે નહીં આવતા ભાવમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે.
અંકલેશ્વરની એપીએમસીમાં મોટાભાગની શાકભાજી મહારાષ્ટ્રમાંથી આવે છે. જોકે હાલમાં ખેડૂતોએ આપેલા દેશવ્યાપી આંદોલનમાં મહારાષ્ટ્રનાં ખેડૂતો પણ જોડાયા હતા. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પગલે અંકલેશ્વરના માર્કેટમાં કેટલીક શાકભાજીની અછત ઊભી થતાં ભાવમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાંથી કોબીજ, ફ્લાવર, ટામેટા, મરચા અને ધાણા અંકલેશ્વરની એપીએમસી શાકમાર્કેટમાં આવે છે. ખેડૂત આંદોલનના કારણે આ શાકભાજી આવતી બંધ થવાથી તેના ભાવમાં ૩૦ ટકાનો વધારો થવા પામ્યો છે. જેના કારણે શાકભાજી ખરીદવું ગૃહિણીઓ માટે મુશ્કેલ બન્યું છે. જો મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલન લાબું ચાલશે તો શાકભાજીમાં ૫૦ ટકા જેટલો ભાવ વધી શકે છે તેવું વેપારીએ જણાવી રહ્યા છે.