(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧ર
રાજ્યમાં એકતરફ મોંઘવારી માઝા મૂકી રહી છે. જીએસટીને લીધે પ્રજાની હાલત પડતાં પર પાટું જેવી થઈ છે. ત્યારે વરસાદનું બહાનું આગળ ધરી શાકભાજીના વેપારીઓએ પ્રજાને લૂંટવાનું શરૂ કરી અંધેરી નગરીની વાર્તાની યાદ અપાવી દીધી છે. છૂટક બજારમાં રૂપિયે કિલો અને કોથમીર ફૂદીનો ૧૬૦થી ર૦૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઘરોના બજેટ ખોરવાઈ ગયા છે. એક સમય હતો કે કોથમીર, ફૂદીનો, મરચાં, આદુ સહિતનો મસાલો વેપારીઓ શાકભાજી સાથે મફ્તમાં આપતા હતા. આજે પરિસ્થિતિ પલટાતા આજ મસાલો સૌથી મોંઘો થઈ ગયો છે. કોથમીર ફૂદીનો ૧૬૦થી ર૦૦ રૂપિયે કિલો, મરચાં ૮૦થી ૧ર૦ રૂપિયે કિલો અને આદુ ૮૦થી ૧૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે જે ટામેટા ર૦થી ૪૦ રૂપિયે કિલોના ભાવે વેચાતા હતા તેનો ભાવ હાલ ૧૦૦ રૂપિયે કિલોની આસપાસ બોલાઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ વસ્તુઓની બજારમાં કોઈ અછત નથી. પરંતુ હોલસેલ વેપારીઓ કૃત્રિમ અછત ઊભી કરી પ્રજાને લૂંટી રહ્યા છે. જ્યારે શાકભાજીની વાત કરીએ તો કારેલા, ગીલોડા, ગુવાર, ચોળી, કંકોડા, ગલકા, ફ્લાવર, કોબીજ, ભીંડા સહિત કોઈપણ શાકભાજી છૂટકમાં લેવા જાઓ એટલે ૮૦થી ૧૦૦ રૂપિયે કિલો એક સરખો ભાવ સાંભળવા મળશેે. છૂટક વેપારીઓનું કહેવું છે કે અમને હોલસેલ બજારમાં જ શાકભાજી મોંઘું મળતું હોવાથી અમારે નાછૂટકે મોંઘા ભાવે વેચવાની ફરજ પડે છે. આમ દર વર્ષે ચોમાસાની મોસમ શરૂ થતાં જ શાકભાજીની ઘટતી આવક, ટ્રાન્સ્પોર્ટેશન અને અન્ય બહાના હેઠળ હોલસેલના વેપારીઓ શાકભાજીના કૃત્રિમ અછત ઊભી કરી ભાવોમાં વધારો કરતા હોય છે. આમા થોડા ઘણા અંશે સચ્ચાઈ પણ હશે પરંતુ એકાદ બે શાકભાજીની અછતના નામે બધા શાકભાજીના ભાવોમાં વધારો કરી લૂંટવામાં આવે છે એ પણ હકીકત છે.