અમદાવાદ, .૨૮
અમદાવાદના છારાનગરમાં રહેતા ગરીબ અને સામાન્ય પરિવાર ઉપર વિના કારણે પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ આતંક કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. કોઈપણ જ્ઞાતિમાંથી કોઈ એ પણ ગુનો કર્યો હોય તો એ ગુનેગારની સામે જરૂર કાર્યવાહી થાય, પરંતુ પોલીસના ધાડા લઈ જઈને સમગ્ર જ્ઞાતિ પર અત્યાચાર એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. છારાનગરમાં એક પ્રકારનો આતંક ઊભો કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ નિર્દોષ વ્યક્તિઓને ઘરમાંથી કાઢી કાઢીને મારવાની તેમજ વાહનો અને ગરીબ લોકોના જીવનનિર્વાહના સામાન્ય સાધનોને તોડી નાખવાની શર્મનાક ઘટના ગઈકાલે બની હતી.કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહે જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ તરફથી એ માગણી કરવામાં આવે છે કે, જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને નિર્દોષ લોકોને જે પણ નુકસાન થયું છે તે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે. છારાનગરમાં રહેતા વર્તમાન પત્રોના ફોટોગ્રાફર, ખૂબ જ સારા નાટ્ય કલાકાર કે વકીલ જેવા પ્રતિષ્ઠિત અને નિર્દોષ વ્યક્તિઓને પણ બેફામ માર મારવામાં આવેલ છે અને મિલકતોને નુકસાન કરવામાં આવ્યું છે તેના સામે સરકારે જાગૃત બનીને તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબ વિરોધી માનસિકતાના કારણે આ બનાવમાં આંખ આડા કાન કરીને બેસી રહી છે તે ચલાવી શકાય નહીં.