(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૬
ગુજરાતમાં બિહારીઓ સહિત પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા માટે બિહારના કોંગ્રેસના પ્રભારી શકિતસિંહ ગોહિલ જવાબદાર છે. તેવું નિવેદન કરનાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસમાં માફી નહીં માગે તો તેમની સામે શકિતસિંહ ગોહિલ ફોજદારી અને માનહાનિનો દીવાની દાવો દાખલ કરશે. એમ આજરોજ પત્રકારોને સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિરૂધ્ધ બિહારના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલ ક્રિમિનલ કેસ તથા નુકસાની વળતરનો દીવાની દાવો દાખલ કરશે. ગઈકાલે વિજયભાઈ રૂપાણીએ કોઈપણ આધાર વગર મીડિયા સમક્ષ પર પ્રાંતિય ઉપર થયેલ હુમલા માટે બિહારના કોંગ્રેસના પ્રભારી શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સત્ય હકીકત એ છે કે ગુજરાતના યુવાનોને રોજગારી મળતી નથી નોટબંધી અને અને જીએસટીના કારણે બેરોજગારી વધી છે યુવાનોના ફિકસ પગારના કારણે શોષણ થાય છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો રોજેરોજ વધી રહ્યો છે રૂપિયો સતત નબળો પડે છે ખેડૂતોને પુરતો ભાવ પાક વીમો, પાણી કે વીજળી મળતા નથી. ત્યારે ગુજરાતના લોકોનો રોષ ભાજપ સામે વધતા એક સોચી-સમજી સાજીશ બનાવી ભાજપ દ્વારા પર પ્રાંતિય લોકો ઉપર હુમલા કરવામાં આવ્યા, આ ઘટનાઓને કારણે વસુદ્યૈવ કુટુંબકમમાં માનનારા પ્રતિષ્ઠિત ગુજરાતીઓની પ્રતિષ્ઠા ખરડાયેલ છે. ભાજપના ધારાસભ્યો અને નેતાઓના વીડિયો તથા સોશિયલ મીડિયાના સંખ્યાબંધ પુરાવાઓ સામે આવેલ છે તે તેમણે રજૂ કર્યા હતા હકીકતમાં જયારે ગુજરાતમાં પરપ્રાંતિયો ઉપર ઘટનાઓ બનતી હતી ત્યારે (હું) શકિતસિંહ બિહારમાં જ હતો. બિહારમાં જે તે સમયે મીડિયા સમક્ષ તુરંત જ શાંતિની અપીલ અને જવાબદાર સામે કડક પગલાની માગણી કરી હતી.
શકિતસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. જો કોઈપણ વ્યકિત ગુના માટે જવાબદાર હોય તો મુખ્યમંત્રીએ નિવેદન મીડિયા સમક્ષ ન કરવાનું હોય પરંતુ એક એફ.આઈ.આર. દાખલ કરીને જવાબદારને જેલમાં મોકલવા જોઈએ. ભાજપ સરકારની જવાબદારી હતી કે જાગૃતિ દાખવી પરપ્રાંતિય લોકો પર હુમલા ન થાય તે જોવું જોઈએ પરંતુ ગુજરાતમાં તો ખુદ ભાજપે જ આગ લગાડી છે.