ભાવનગર, તા.૧૪
ભાવનગર દક્ષિણ મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલની બિહાર બાદ દિલ્હી ખાતે પણ કોંગ્રેસના ઈન્ચાર્જ પ્રભારી તરીકે નિમણૂંક કરાતા ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આ નિમણૂંકને આવકારી શુભેચ્છાઓ પાઠવી છે.
રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવકતા શક્તિસિંહ ગોહિલ હાલમાં બિહારના પ્રભારી તરીકે કાર્ય કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં દિલ્હી કોંગ્રેસના પ્રભારી પી.સી.ચા.કો.એ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી ઉપરાંત દિલ્હી કોંગ્રેસના કાર્યકારી પ્રભારી તરીકેનો ચાર્જ સોંપેલ છે.
ભાવનગર કોંગ્રેસના નેતાઓમાં મોટા બે રાજ્યોમાં પ્રભારી તરીકેનો હવાલો શક્તિસિંહને સોંપાતા ભાવનગર કોંગ્રેસના આગેવાનોએ ભાવેણાનું ગૌરવગણી આ નિમણૂંકને આવકારેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર કોંગ્રેસના કોઈ મોટા નેતાને આજદિન સુધી બબ્બે રાજ્યના પ્રભારી-રાષ્ટ્રીય કક્ષાએ નિયુક્ત કરાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.