એન્કાઉન્ટર કેસના આરોપી એસપી ધારાસભ્યને ઉઠાવી ગયા
શકિતસિંહે જણાવ્યું કે, ગુજરાતના એન્કાઉન્ટર કેસના આરોપી એવા આઈપીએસ અધિકારી અમારા આદિવાસી ધારાસભ્યને ઉઠાવી ગયા અને અમિત શાહ સાથે વાત કરાવવાની વાત કરી રૂ.૧૫ કરોડની ઓફર કરી હતી. પરંતુ તેમ છતાં અમારા ધારાસભ્ય ફુટયા નહી. આખા દેશમાં એક એવો કિસ્સો બતાવો કે જયાં એન્કાઉન્ટર કેસમાં આરોપી હોય અને નિવૃત્ત થઇ ચૂકયા હોય તેવા પોલીસ અધિકારીને ફરીથી કરાર આધારિત નિમણૂંકથી એસપીના હોદ્દા પર મૂકી સત્તા અને કાયદાનો દૂરપયોગ કરાયો હોય.
ભાજપ સામે સુપ્રીમકોર્ટ સુધી સચ્ચાઇની લડત લડીશું
શકિતસિંહ ગોહિલે એક તબક્કે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની અને જે પ્રકારે ધાકધમકી અપાઇ છે તેમ જ જે પ્રકારે કરોડો રૂપિયાની ઓફરો થઇ છે તેના પુરાવા છે અમારી પાસે. જરૂર પડયે અમે અમારા ધારાસભ્યોના લાઇ ડિટેકશન ટેસ્ટ પણ કરાવીશું અને ભાજપના ધાકધમકી અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા લોકશાહીની હત્યા કરવા સુધીના નિંદનીય કૃત્ય સામે સુપ્રીમકોર્ટ સુધી સચ્ચાઇની લડત લડીશું.
હરેન પંડ્યાનો મુદ્દો પત્રકારપરિષદમાં ઊછળ્યો
ગોહિલે પત્રકાર પરિષદ દરમ્યાન ફરી એકવાર રાજયના તત્કાલીન ગૃહપ્રધાન હરેન પંડયાનો મુદ્દો ઉછાળ્યો હતો. ગોહિલે જણાવ્યું કે, ભાજપનું શાસન અને સરકાર એવા છે કે જેની સામે કોઇ અવાજ ઉઠાવે તો તેનું અસ્તિત્વ મીટાવી દેવાય છે. આપણા ગૃહપ્રધાન હરેનભાઇ પંડયાએ સચ્ચાઇ સામે અવાજ ઉઠાવ્યો તો એમનું મર્ડર થઇ ગયું અને હજુ સુધી તેમના હત્યારાઓ પકડાયા નથી. આ પ્રકારની લોકશાહી કે શાસન દેશ કે રાજયની જનતાએ કયારેય જોયા નથી.
ભાજપ સરકાર સુરક્ષાની ખાતરી આપે તો પરત ફરીશું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ ગભરાઈ ગયો છે. એટલે કોંગ્રેસને નિશાન બનાવી રહ્યો છે. અમારી પાસે રાજ્યસભાની ચૂંટણી જીતવા પૂરતું સંખ્યાબંધ છે અને અમારે બેંગ્લુરુમાં એક એકનું પણ રોકાવવાની જરૂરત નથી ધમકી મળતી ન હોત તો ગુજરાતમાં જ હોત અને હજી પણ સરકાર તરફથી અમને સુરક્ષાની ખાતરી મળશે તો પરત ફરીશું. તેમણે ભાજપના એ આરોપોને પણ ફગાવ્યા હતા કે ધારાસભ્યોને બંધક બનાવી રાખવામાં આવ્યા છે.