અમદાવાદ,તા.૧૧
રાજય સરકારના ખાનગી સ્વનિર્ભર શાળા ફી નિયમન કાયદાને ગુજરાત હાઇકોર્ટે બહાલ રાખ્યા બાદ અને તેની પર મંજૂરીની મ્હોર મારી દીધા છતાં અમદાવાદ સહિત રાજયના શાળા સંચાલકો દ્વારા મનસ્વી રીતે વાલીઓ પાસેથી ફીની વસૂલાત અને થઇ રહેલા બ્લેકમેઇલીંગના વિરોધમાં અમદાવાદ સહિત રાજયભરના વિવિધ વાલીમંડળો દ્વારા આવતીકાલે તા.૧૨મી જાન્યુઆરીએ રાજયભરની શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેથી આવતીકાલે ગુજરાતભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઇ જવાની શકયતા છે. બીજીબાજુ, કેટલાક વાલીમંડળે હાલ રાજયની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નલ પરીક્ષાઓ ચાલતી હોઇ બંધના એલાનનો વિરોધ કર્યો હતો કારણ કે, તેનાથી વિદ્યાર્થીના શિક્ષણ પર અસર પડશે. તેથી ગુજરાતના વાલીમંડળોમાં એક રીતે જોવા જઇએ તો, આંતરિક વિખવાદ સામે આવ્યો છે. બીજીબાજુ, વાલીમંડળોએ ફીની કડક ઉઘરાણી કરતાં શાળા સંચાલકો વિરૂધ્ધ તાત્કાલિક પગલાં લેવા પણ સરકાર સમક્ષ માંગણી કરી છે. ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલકોની દાદાગીરી છતાં રાજય સરકાર તેમની વિરૂધ્ધ કોઇ પગલાં નહી લેવાતાં અને શાળા સંચાલકોની સરમુખત્યારશાહીના વિરોધમાં આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના વિવિધ વાલીમંડળો દ્વારા આવતીકાલે રાજયભરની શાળા બંધનું એલાન અપાયું છે. વાલીમંડળોનું કહેવું છે કે, રાજયની કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ત્રણ કવાર્ટરની ફી ઉઘરાવી લીધી છે, તો કેટલીક શાળાઓએ આખા વર્ષની ફી ઉઘરાવી લીધી છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ પણ શાળા સંચાલકોને તેને માનતા નથી અને કાયદાકીય ગૂંચ ઉભી કરી પ્રક્રિયાનો દુરૂપયોગ કરી રહ્યા છે. છતાં રાજય સરકાર દ્વારા આવા શાળા સંચાલકો વિરૂધ્ધ કોઇ પગલાં લેવાતા નથી કે આવા શાળા સંચાલકો વાલીઓની વારંવારની માંગણી છતાં ગેરકાયેદ રીતે ઉઘરાવેલી ફી પાછી આપતા નથી. બીજી તરફ વડોદરા સહિત કેટલીક આરટીઓમાં વિદ્યાર્થીઓને શાળાએ લઇ જતા વાહનોને જપ્ત કરાયા હતા, તેથી વાલીમંડળોએ આક્ષેપ કર્યો હતો કે, બંધનું એલાન નિષ્ફળ બનાવવાના ભાગરૂપે આ વાહનો જપ્ત કરાયા છે. બીજીબાજુ, રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વાલીમંડળો સાથે ખાસ સંવાદ યોજી તેમના પ્રશ્નોના નિરાકરણની હૈયાધારણ આપી હતી અને આવતીકાલનું એલાન મોકૂફ રાખવા અનુરોધ કર્યો હતો. જો કે, હાલના તબક્કે વાલીમંડળો રાજયભરની શાળા બંધના એલાન પર મક્કમ છે.