(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૦
રાજસ્થાનમાં શંભુલાલ રેગર દ્વારા નિર્દોષ મુસ્લિમ અફરાઝુલની કાળજુ કંપાવી દેનાર ઘટનાને એક માસ જેટલો પણ સમય થયો નથી ત્યાં રાષ્ટ્રવાદના નામે દેશભક્તિ સાબિત કરવાની કોશિશમાં વધુ એક વૃદ્ધ વ્યક્તિને બે શખ્સ દ્વારા પાકિસ્તાન મુરદાબાદનો નારો પોકારવા મજબૂર કરીને તેને મારવાની કોશિશ કરવાની ઘટનાનો એક વધુ વીડિયો વાયરલ થયો છે.
મુસ્લિમ વિરોધી વિચારધારાને ઝેરીલી બનાવી એક વ્યક્તિને હત્યાઓ બનાવી સમાજમાં છોડી મૂકવાની રાજનીતિ દેશમાં ઝડપથી વિકસી રહી છે. ક્યારેક ગાયનો મુદ્દો ઉઠાવીને તો ક્યારેક ટોપી પહેરવાના નામ પર અને ક્યારેક તો માત્ર મુસ્લિમ હોવાની ઓળખ પર જીવતા માણસને ખુલ્લેઆમ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે.
વર્ષ ર૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ આ ઘટનાઓમાં સતત વધારો થયો છે. પોતાની દેશભક્તિ સાબિત કરવા કોઈ મુસ્લિમ વ્યક્તિની હત્યાને સૌથી મોટો ધર્મ માનતા એવા લોકો ખુલ્લા પડી ગયા છે. દેશમાં નફરતની રાજનીતિ કરનાર અને મુસ્લિમો પ્રત્યે ઝેરીલું વાતાવરણ બનાવનાર લોકોની મોટી સંખ્યા હવે ખુલ્લેઆમ પ્રકટ થઈ રહી છે. આવા લોકો કોઈપણ અસહાય વૃદ્ધ, મજૂર મુસ્લિમોને ગમે ત્યાં ગમે ત્યારે મોતને ઘાટ ઉતારી દે છે.