(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
રાજસ્થાનના રાજસમંદમાં ડિસેમ્બર ૨૦૧૭માં ‘લવ જેહાદ’નો આક્ષેપ કરીને બંગાળના વતની મોહમ્મદ અફરાઝુલને ઘાતકી રીતે રહેંસી નાખીને જીવતો સળગાવી નાંખનાર શંભુલાલ રેગર ઉત્તર પ્રદેશ નવનિર્માણસેના (યુપીએનએસ)ના ઉમેદવાર તરીકે આગરાથી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડી શકે છે. ઉત્તર પ્રદેશમાં બહુ ઓછું જાણીતું રાજકીય સંગઠન યુપીએનએસે રાજસમંદના લિંચિંગના આરોપીને ટિકિટની સોમવારે ઓફર કરી હતી. યુપીએનએસે એવો દાવો પણ કર્યો છે કે શંભુલાલ રેગરે તેની ઓફર સ્વીકારી લીધી છે અને તેના આગરાથી લોકસભાની ચૂંટણી લડવાની સંભાવના છે. યુપીએનએસના રાષ્ટ્રીય પ્રમુખ અમિત જાનીએ જણાવ્યું કે રેગર જોધપુરની જેલમાંથી ચૂંટણીમાં ઝંપ લાવશે. રેગરને અફરાઝુલના લિંચિંગ અને શબને બાળી નાખવાના કેસમાં હાલામાં જોધપુરની જેલમાં રાખવામાં આવ્યો છે. જાનીએ એવું પણ કહ્યું કે લાંબા સમયથી તે રાજસમંદની હત્યાના કેસમાં આરોપી સાથે સંપર્કમાં છે અને યુપીએનએસને હિન્દુત્વનો ચહેરો જોઇતો હોવાથી યુપીએનએસ માટે શંભુલાલ રેગર કરતા બહેતર કોઇ ઉમદવાર હોઇ શકે નહીં. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આગરાની સીટ પરથી યુપીએનએસના ઉમેદવાર તરીકે શંભુલાલ ચૂંટણી લડવાનો હોવાની ટૂંક સમયમાં વિધિસર જાહેરાત કરાશે. પક્ષના નિર્ણયને યોગ્ય ઠરાવતા જાનીએ જણાવ્યું કે મુખતાર અન્સારી અને રાજા ભૈયા જેવા અન્ય કેટલાક લોકો સામે રેગર કરતા પણ વધુ ગંભીર કેસો છે. જાનીએ એવો દાવો પણ કર્યો કે રેગર નિર્દોષ છે.