(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરૂં પકડી પાડ્યું હોવાનો પુણે પોલીસે કોર્ટમાં દાવો કર્યાના એક દિવસ બાદ આ કેસ કડડભૂસ થઇ રહ્યો હોવાનું લાગે છે. પોલીસે લીક થયેલા પત્રને આધારે આક્ષેપ કર્યો હતો હવે આ પત્ર સામે માઓવાદીઓના સંદેશાવ્યવહાર હાથ ધરનારા અનુભવી નિવૃત્ત પોલીસ અધિકારીઓ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. ટિ્‌વટર પર લોકોએ એવો નિર્દેશ કર્યો છે કે ૨૦૧૪થી મીડિયા અને પોેલીસ દ્વારા મોદીની હત્યાનું આ છઠ્ઠું કાવતરૂં ચગાવવામાં આવ્યું છે. પુણે નજીક આવેલા ભીમા કોરેગાંવ ખાતે પહેલી જાન્યુઆરીએ ફાટી નીકળેલી હિંસામાં કથિત ભૂમિકા બદલ પુણે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ આંબેડકરવાદી કાર્યકરોને મોદીની હત્યાના કાવતરામાં ફસાવવામાં આવી રહ્યા છે. અન્ડરગ્રાઉન્ડ માઓવાદીઓને ભંડોળ પુરૂં પાડવામાં સંડોવણીનો પ્રથમ વાર એક રાષ્ટ્રીય રાજકીય પક્ષ સામે પોલીસ દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે અને આ આરોપ પણ શંકાસ્પદ પત્ર પર આધારિત છે. આ ખતરનાક બાબત છે અને તેની તપાસ થવી જોઇએ. અન્ય એક પત્રને આધારે પુણે પોલીસે વડાપ્રધાનની હત્યાના કાવતરામાં કવિ, વકીલ અને અંગ્રેજીના એક પ્રોફેસર સહિત પાંચ કાર્યકરોને આરોપી બનાવ્યા છે, એ પણ અયોગ્ય અને અસંગત હોવાનું લાગે છે.
આ કેસમાં ઓરોપીઓને એક સપ્તાહના રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે અને તેમને ત્રણ મહિના સુધી જામીન મળવાની સંભાવના નથી. નીચે જણાવેલા કારણસર આ કેસની સ્વતંત્ર તપાસ થવી જોઇએ.
૧. પોલીસે જાન્યુઆરીમાં એફઆઇઆર નોંધી અને એપ્રિલમાં આરોપીનોના ઘરે દરોડા પાડ્યા. આ સમજી શકાય એવું નથી, કારણ કે જો આરોપીઓ મોદીની હત્યાના કાવતરામાં સંડોવાયેલા હોય તો, શું તેઓએ જૂન સુધી પુરાવા સાચવીને રાખ્યા.
૨. મોદીની હત્યાનું કાવતરૂં કોઇ પણ ગુપ્તચર એજન્સી દ્વારા નહીં પરંતુ રાજ્ય પોલીસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોવાથી આ વિશ્વસનીય લાગતું નથી.
૩. જો પત્ર ખરેખર સાચો છે તો શું તેમાં વાસ્તવિક નામોને બદલે ઉપનામો, કોડવર્ડ વગેરેનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોત.
૪. માઓવાદી સંદેશાવ્યવહારનું વિશ્લેષણ કરનારા ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓએ આ પત્રને વાહિયાત ગણાવ્યો છે.
૫. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મોદી અને ગુજરાતની પોલીસે મોદીની હત્યાના કાવતરાના આવા જ આરોપો મુકયા હતા અને અત્યારે અને પછી પણ તેઓ આવા જ આરોપ મુકશે. ૨૦૧૪ પછીથી અત્યાર સુધી આ છઠ્ઠીવાર આરોપ મુકાયો છે.
૬. કહેવાતા આ પત્રો પસંદગીના મીડિયા હાઉસિસ અને ભાજપના આઇટી સેલને લીક કરવાની બાબત પણ પ્રશ્ન ચિહ્નો ઉભા કર્યા છે.
૭. ભીમા કોરેગાંવની પહેલી જાન્યુઆરીની હિંસા પાછળ શહેરી નક્સલવાદીઓ હોવાના પોલીસનો દાવો ઘણા મહિનાઓ પસાર થયા પછી બીજો વિચાર આવ્યો હોવાનું લાગે છે.
૮. રાજ્ય કક્ષાના સામાજિક ન્યાય પ્રધાન અને મહારાષ્ટ્રના અગ્રણી દલિત નેતા રામદાસ અઠવાલેએ માઓવાદીઓના નામે આંબેડકરવાદી કાર્યકરોને શિકાર નહીં બનાવવાનું કેન્દ્ર સરકારને કહ્યું છે.
૯. મોદીની હત્યાના કાવતરા સાથે પ્રકાશ આંબેડકરને જોડવાનો અણધડ પ્રયાસ પણ શંકાસ્પદ લાગે છે.