(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજરોજ એનસીપીના વડા શરદપવારની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિધિવત રીતે એનસીપીમાં જોડાતા તમામ અટકળોનો અંત આવ્યો છે. સૌપ્રથમ ભાજપમાંથી કોંગ્રેસનો હાથ બાપુએ ઢળતી ઉમરે પુનઃ સક્રિય રાજનીતિ શરૂ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં હોટલ ઉમેદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધિવત રીતે એનસીપીનો ખેસ ધારણ કરી લીધો છે. આ કાર્યક્રમમાં શરદ પવાર ઉપરાંત એનસીપીના સાંસદ પ્રફુલ પટેલ, કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા તેમજ એનસીપીના કાર્યકરો હાજર રહ્યાં હતા. આ પ્રસંગે શંકરસિંહે કહ્યું હતું કે, આરબીઆઈ, ઈલેક્શન કમિશન, સીબીઆઈ, સીવીસી, સીએચએનું ઊંડાણથી જાણું છું. લોકશાહીનું ગળુ દબાવવવાનું બીજેપીનું જે ષડયંત્ર છે, ત્યારે મને લાગ્યું કે આવી રીતે ઈનએક્ટિવ રહેવું યોગ્ય નથી. ગુજરાતી જનતાએ મને વોટ આપ્યા છે. તેઓએ મને જે પ્રેમ આપ્યો છે, તે પરત આપવા માટે હું એનસીપીમાં આવ્યો છું. આગામી દિવસોમાં હું દેશમાં યુપીએ-૩ ટાઈપની એન્ટી-બીજેપી ગર્વમેન્ટ જોઈ રહ્યો છું. તેમાં અમારો રોલ ગુજરાત અને ગુજરાત બહાર જેટલો પણ બની શેક તેટલો અમે વધારીશું. ગર્વમેન્ટ ક્રુઅલ, કરપ્ટ છે. દેશની જનતાને પાંચ વર્ષનો જે અનુભવ થયો છે, તેનાથી લોકો કંટાળી ગયા છે. તેઓ ઈચ્છે છે કે સરકાર જતી રહે. ખેડૂત આત્મહત્યા કરે છે. નોટબંધી, જીએસટીથી બિઝનેસ કમ્યુનિટી કંટાળી છે. લોકોને બીજેપીના શાસનમાંથી બચાવવા છે. શરદ પવારે શંકર સિંહને પાર્ટીની એપ્લિકેશનમાં સભ્યપદ ભરી પાર્ટીનો ખેસ પહેરાવ્યો હતો. ત્યારે હવે શંકર સિંહ વાઘેલાને નેશનલ જનરલ સેક્રેટરીનો કાર્યભાર સોંપાશે. આ પ્રસંગે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, ગુજરાતમાં સંગઠનની જવાબદારી અમારા સાથીઓ નિભાવી રહ્યા છે. એમના સહયોગમાં હવે શંકરસિંહ જેવા વરિષ્ઠ નેતા અમારી સાથે છે. જેથી હવે અમારા કાર્યકર્તાઓનો જુસ્સો વધશે. ગુજરાતમાં તો તેમનું માર્ગદર્શન મેળવાશે જ, પણ રાષ્ટ્રીય સ્તરે પણ એમનો લાભ મેળવીશું, અને એમણે પણ આ માટે તૈયારી બતાવી છે. ફક્ત રાજ્યમાં નહિ, અન્ય રાજ્યોમાં પણ તેમના જોડાવાથી ફરક પડશે. દેશની સ્થિતિમાં નોન બીજેપી પાર્ટીઓ સાથે કેવી રીતે મળીને કામ થઈ શકે એનો અમારો પ્રયાસ છે. અમે નોન બીજેપી લિડર્સ કોલકાતામાં ભેગા થયા. એક વિકલ્પ તરીકે અમે વાત અને ચર્ચા કરી. નેશનલ લેવલ પર એક ઑલ્ટરનેટિવ આપવાની જવાબદારી અમને લાગે છે. પ્રત્યેક રાજ્યની સ્થિતિ અલગ છે, જેમ કે તામિલનાડુમાં ડીએમકેને અમે સપોર્ટ આપીશું.

હાર્દિક – અલ્પેશ જેવા યુવા નેતાઓ
NCPમાં જોડાય તે આવકાર્ય : શરદ પવાર

શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું હતું કે, દેશની સ્થિતિમાં નોન ભાજપ પાર્ટીઓ સાથે કેવી રીતે કામ થઈ શકે એનો પ્રયાસ છે. શંકરસિંહ જોડાયા બાદ તેમણે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની એનસીપીમાં જોડાવા અંગેના સવાલમાં કહ્યું કે દેશના યુવા એનસીપીમાં જોડાય તે આવકાર્ય છે. શંકરસિંહ વાઘેલા વિધિવત રીતે એનસીપીમાં જોડાયા છે. જેને લઈ એનસીપીએ સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો. જેમાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, નેતા પ્રફુલ પટેલ, પ્રદેશ પ્રમુખ જ્યંત બોસ્કી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં શંકરસિંહે સંબોધન કરીને ભાજપને કમિશનવાળી પાર્ટી ગણાવી હતી.