અમદાવાદ, તા.૧૮
તાજેતરમાં જ નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં જોડાયેલા શંકરસિંહ વાઘેલાએ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસના ઉમેદવારને પોતાનું સમર્થન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ગાંધીનગર બેઠકના ઉમેદવાર સી.જે. ચાવડાને પોતાનું સમર્થન આપ્યું છે.
એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા સી.જે. ચાવડાના સંમેલનમાં પણ હાજરી આપી હતી. સી.જે. ચાવડાની સભામાં જ્યાં શંકરસિંહ વાઘેલા પણ સ્ટેજ પર બેઠેલા દેખાયા હતા ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીના અમિત શાહને હરાવવા મેદાને પડ્યા હતા તેવું સર્જાયું હતું. સી.જે. ચાવડાને શંકરસિંહ વાઘેલાના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. પહેલાથી જ આ અટકળો ચાલી રહી હતી કે, શંકરસિંહ વાઘેલા સી.જે. ચાવડાના સમર્થનમાં આવશે. ગાંધીનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના જ અધ્યક્ષ અમિત શાહને ઊભા રાખ્યા છે, ત્યારે એનસીપીનું કોંગ્રેસને સમર્થન મળતા મતોની વહેંચણી અટકશે, જેનો સીધો ફાયદો કોંગ્રેસ પાર્ટીને થશે, તેવું કહેવાય છેે ત્યારે શંકરસિંહ વાઘેલાએ ખુલીને કોંગ્રેસના સમર્થનમાં આવતા ભાજપ માટે મુશ્કેલી વધશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વખતે એન્ટી બીજેપી સરકાર આવશે. આ વખતની ચૂંટણીમાં એન.ડી.એ. અને યુ.પી.એ. બંને પૈકી એકપણને સ્પષ્ટ બહુમતી મળશે નહીં. આ વખતે ત્રીજો મોરચો સત્તામાં આવશે. ભાજપની ૧૦૦થી સીટો ઘટશે. એન.ડી.એ.ને ૧૪૦થી ૧૬૦ સીટો મળશે. અને ત્રીજો મોરચો ૩૨૫ સીટો લાવશે. આ ત્રીજો મોરચો વડાપ્રધાન નક્કી કરશે. વડાપ્રધાન પણ એવા બનશે જે ઇલેકટેડ મેમ્બરોને પસંદ પડતા મુદ્દા સાથે ચાલશે. તેવું મારૂં રાજકીય વિશ્લેષણ છે.