(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલે આજરોજ ગાંધીનગર વિધાનસભા ખાતે સતત પાંચમી વાર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવારી પત્રક ભર્યા બાદ ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સૌપ્રથમ તો હું ગુજરાતમાં હાલ અતિવૃષ્ટિને કારણે જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું. ઉપરાંત ભારે વરસાદને કારણે જે લોકોને નુકસાન થયું છે કે મુશ્કેલીમાં મુકાયા છે. તેઓને પૂરતી મદદ મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને હું અનુરોધ કરૂં છું. વડાપ્રધાને ગતરોજ ગુજરાતમાં આવી રૂા.પ૦૦ કરોડની સહાયની કરેલી જાહેરાતને અપૂરતી ગણાવી તેમણે જણાવ્યું હતું કે આનાથી હું સંતુષ્ટ નથી. નુકસાન ખૂબ જ છે. આથી હજી વધુ મદદ કરવી જોઈએ. ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ તકલીફ પડે છે ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાની પડખે રહ્યો છે.
રાજ્યસભાના સાંસદ તરીકે સતત પાંચમી વાર પોતાની પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ સભ્યોના સાથ સહકારથી મારો વિજય નિશ્ચિત છે. ક્રોસ વોટિંગ અંગે તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ ક્રોસ વોટિંગ થયા હતા. પરંતુ આ વખતે એવું નથી ગઈકાલની બેઠકમાં પ૧ ધારાસભ્યો હાજર રહ્યા હતા અને જે લોકો વરસાદ સહિતના કારણસર આવી શક્યા નથી તેઓ મત આપવા આવશે. ગઈકાલે શંકરસિંહ વાઘેલા સાથે પણ મારી વાતચીત થઈ હતી અને તેમનો મત કોંગ્રેસને જ મળશે તેવી ખાતરી આપી હતી. કારણ કે અમે શંકરસિંહની વાતનું હંમેશા સન્માન કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં
આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા

અહમદભાઈ પટેલે આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે તેમના વતનમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, ખજાનચી પરિમલસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢિયાર, કોંગી અગ્રણી યુનુસ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મકબુલ અભલી, અંકલેશ્વર શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, મગનભાઈ પટેલ, બાલુભાઈ પટેલ તથા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત, તથા બાલુભાઈ વસાવા, મહેશ છોટુભાઈ વસાવા, ગણેશ સુગરના સંદીપસિંહ માંગરોલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને તેઓએ અહમદભાઈ પટેલને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.