(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
જસદણ વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતાં તેને લોકસભાની ચૂંટણી પહેલાંની સેમિફાઈનલ ગણાવતા ગુજરાતના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું જસદણની પેટાચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરીશ. આ સાથે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, દેશની બંધારણીય સ્વાયત્ત સંસ્થાઓ અને લોકશાહીનું અસ્તિત્વ જોખમમાં છે. પૂર્વ મુખ્યમંત્રી અને રાજકીય દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે ફરીથી ભાજપને હરાવવા મેદાનમાં આવવાની જાહેરાત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું કે, ભાજપ જ ભાજપના ઉમેદવારને પરાજીત કરશે. તેમણે કહ્યું કે, ભાજપના ઉમેદવારને હરાવવા માટે હું કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરીશ. ભાજપની પરાજીત નિશ્ચિત છે. શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર અનેક પ્રહાર કર્યા. તેમણે લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવા માટેની માંગણી સાથે પત્ર પણ લખ્યો છે. તેમણે બેલેટ પેપરથી મત આપવાની માંગણી કરી છે. તેમાં પણ મતદાતા મત આપ્યા બાદ પોતાનો મત કોને પડ્યો તેની ચીઠ્ઠી પણ તેને મળે તે રીતની વ્યવસ્થા ગોઠવવાની પણ માાંગ કરી છે. બાપુએ તેમણે જમ્મુ-કાશ્મીર મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની ટૂંકી દૃષ્ટીથી કાશ્મીર ખોવાનો વારો આવશે. ગુજરાતમાં પણ કોઈ સરકાર નથી, મન પાવે તેમ લોકો કામ કરી રહ્યા છે. દિલ્હી સરકારમાં અનેક ચાપલુસ અધિકારીઓ છે, જે વાહવાહ કરે છે તેવા અધિકારીઓને મોટી મોટી પોસ્ટ આપી દેવામાં આવે છે. તેમણે પીએમ મોદીનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ખુબ વ્યાપ્યો છે. ભ્રષ્ટાચારના તાર ગુજરાતથી જોડાયા છે. ભાજપ સરકાર લોકશાહીનો ભંગ કરી રહી છે. તમામ સ્વાયત સરકારી સંસ્થાઓમાં પોતાના મળતીયા અધિકારીઓને લગાવી પોતાની દખલઅંદાજી કરી રહી છે. સુપ્રીમ કોર્ટ, ચૂંટણીપંચ, સીબીઆઈ જેવી સંસ્થાઓનું અસ્તિત્વ જોખમમાં છે. રાફેલ મુદ્દે પણ તેમણે જવાબ આપવા વડાપ્રધાનને પડકાર ફેંક્યો હતો. અગામી દિવસમાં લોકસભા ચૂંટણીમાં હું સક્રિય રહીશ. હું એન્ટી ભાજપ તરીકે કામ કરીશ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનો ગઢ ગણાતી જસદણ બેઠક હાલ રાજકારણમાં હોટ ફેવરિટ થઈ ચૂકી છે. કોંગ્રેસના એક સમયના કદાવર નેતા અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવાળિયાના કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારેથી જાણે કે રાજકારણ ગરમાઈ ગયું છે