(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદના પ્રવાસ દરમિયાન ગાંધીઆશ્રમની મુલાકાત રદ થવાને લઈને વિવિધ પ્રકારના પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધીઆશ્રમની મુલાકાત લઈ જણાવ્યું હતું કે, ટ્રમ્પની પત્નીને તાજમહેલ જોવો છે. એટલા માટે ગાંધીજીને પડતા મૂકવામાં આવ્યા છે. બે લોકશાહી મહાન છે, મોદી અને ટ્રમ્પ મહાન નથી, બન્ને ફેંકુ છે તેમ જણાવી વધુ પ્રહારો કરતાં બાપુએ જણાવ્યું હતું કે, ટ્રમ્પના આગમનની વાહવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે ત્યારે આમ અચાનક સમિતિની રચના કરીને સરકાર શું છૂપાવવા માંગે છે ?
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા પ્રધાનમંત્રી અમેરિકાના સ્ટેડિયમમાં જાય ત્યાં હાઉડી-હાઉડી કર્યા કરે એ પણ ત્યાંના ભારતીયોના ખર્ચે, ટ્રમ્પે એક રૂપિયો આપ્યો નથી. ત્યાં જઇને એક દેશના વડાપ્રધાનને ન શોભે તે રીતે અબકી બાર ટ્રમ્પ સરકાર કહીને ટ્રમ્પની ચમચાગીરી કરવાનું કોઇ કારણ ખરું? આજે ટ્રમ્પ અહી આવે છે ત્યારે હું ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યો છું અને તેમને પૂછ્યું કે તમને કોઇ સમાચાર છે. ગાંધીજીના સમર્થકો નહીં પરંતુ ગોડસેના મંદિરો કરવાવાળા લોકોએ આ ગાંધી આશ્રમની મુલાકાત કાપી હશે તેવો મને વહેમ છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, જે આયોજકો છે તેમને પૂછવા માગું છું. જે સ્ટેડિયમ છે તેનું ઉદ્ઘાટન નથી થવાનું. સ્ટેડિયમવાળા કહે છે કે અમે નથી બોલાવ્યા, રાજ્ય સરકાર કહે છે કે અમે નથી બોલાવ્યા. વિદેશ ખાતું કહે છે કે અમે નથી બોલાવ્યા. તો બોલાવ્યા કોણે છે, કઇ સમિતિ છે આ? તમે કોઇને પણ બોલાવો પરંતુ ગુજરાતની જનતાના ટેક્સના પૈસા બરબાદ કરવાનો તમને અધિકાર નથી. તમે સ્ટેડિયમમાં એક લાખ લોકો ભેગા કરવાના છો એ માટે બસો લાવશો તો બધા રૂપિયા આવશે ક્યાંથી. તેમણે વધુમાં કહ્યું કે, બે મોટી અને વિકસિત લોકશાહી. આ બન્ને લોકશાહીના વડાઓ એન્ટિ ડેમોક્રેટિક છે, બન્ને ફેંકુ અને જુઠ્ઠાં લોકો છે. ટ્રમ્પ એક હજારવાર કરતા વધારે જુઠ્ઠું અમેરિકામાં બોલ્યા છે. આપણા સાહેબના એક-એક શબ્દમાં જૂઠ સિવાય કંઇ નીકળતું નથી. તમે સત્યનું ખૂન કરી રહ્યા છો. તમે ગાંધીજીને પડતાં મૂકવા તાજમહેલ જોવા માટે. જે તાજમહેલ કંપની ટ્રમ્પની હતી તેણે દેવાળું કાઢેલું છે. ટ્રમ્પની જે પાર્ટી છે તે એવું કહે છેકે હું ઇન્ડિયાને પ્રેમ નથી કરતો. મને ભારત નથી ગમતું. તો ભારત આવો છો શા માટે? આ મિત્ર ગમતા હોય તો તેમને ત્યાં લઇ જાઓ. તમારા બદલે તેમને ત્યાં ઉભા રાખો. બાપુએ વધુમાં કહ્યું કે, જે અમેરિકાએ તમારા વિઝા કેન્સલ કરીને તમારું નાક કાપ્યું હતું. ગુજરાતની આબરું કાઢી હતી. તેના પગ લુછણિયા થઇને તેની ચમચાગીરી કરવાનું કારણ શું છે? તમે કેમ તેના પ્રચાર માટે આટલા બધા રૂપિયાનું આંધણ કરી રહ્યાં છો. અમેરિકા આપણને એક પણ ડોલર આપવાનું છે ખરું? કોઇપણ દેશનો વડો આવે તો તેની સાથે વેપારના કરાર થતાં હોય છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારતના લોકોને અમારે બનતું નથી. વેપારની એક પણ ડીલ નહીં થાય. તો આ બધું શા માટે કરી રહ્યાં છો.
તેમણે કહ્યું કે, તમે ગુજરાતમાં હતા ત્યારે પણ ગરબડ કરતા હતા, દિલ્હીમાં છો ત્યાં પણ ગોટાળા કરી રહ્યા છો. અર્થતંત્ર ભાંગી નાંખ્યું, બેકારી વધારી, કઇ લોકશાહી છે. બન્નેને એકપણ પૈસાની આબરું નથી કે બોલેલો શબ્દ પાળવો જોઇએ. ગાંધીજીની મુલાકાત પડતી મુકીને તાજનો દિદાર કરવા માટે તમે જાઓ. તમે તો તાજ મહેલના વિરોધી છો. પરંતુ તમે ટ્રમ્પની પત્નીને તાજમહેલ જોવો છે એટલા માટે લાળ ટપકાવતા-ટપકાવતા ટ્રમ્પની પત્નીની પાછળ તાજમહેલ માટે ગાંધીને પડતા મૂકો છો ત્યારે તમને શરમ આવવી જોઇએ. ટ્રમ્પને કહેવા માંગું છું એમ જણાવતા બાપુએ કહ્યું કે, ગાંધીજીના આશ્રમમાં હિંસા નહીં થાય. તમને કોઈ ગોળી નહીં મારે, તમને કોઈ ગોળી મારશે તો જવાબદારી હું લઈશ. ગોધરા કે પુલવામાના ગોળીબાર જેવું નહીં. અહિંસાનું આ ગુજરાત છે.