જીત બાદ કોંગ્રેસના ધારાસભ્યો રીતસર રડી પડ્યા
મોડી રાત્રે રાજયના ચૂંટણી રિટર્નીંગ ઓફિસર દ્વારા ચૂંટણીના પરિણામો જાહેર કરાયા અને જીતેલા ઉમેદવારમાં સૌથી પહેલું નામ જેવું અહમદ પટેલનું નામ જાહેર કરાયું કે તે સાંભળતાં જ કોંગ્રેસના ધારાસભ્યો ખુશીથી ઝુમી ઉઠયા હતા. અહમદ પટેલની જીતના સમાચાર તરત જ દિલ્હી સુધી પહોંચી જતાં દિલ્હી કોંગ્રેસમાં પણ જીતનો જશ્ન છવાયો હતો. છેક સુધી એકજૂથ અને સંપીને સાથે રહેલા કોંગ્રેસના વફાદાર ધારાસભ્યોએ વ્યકિગત રીતે અહમદ પટેલને મળીને તેમને હાથ મિલાવી અને તેમની સાથે ભેટીને અભિનંદન પાઠવ્યા હતા. કેટલાક લાગણીશીલ ધારાસભ્યો તો અહમદ પટેલને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડયા હતા. આ લાગણી એટલા માટે ન હતી કે અહમદ પટેલ જીતી ગયા પણ જે કઠિન પરિસ્થિતિમાં ખાસ કરીને ભાજપની તોડફોડની નીતિ અને સત્તા તેમ જ પૈસાના જોરે તેઓને છેલ્લા કેટલાક દિવસો બેંગ્લુરૂ એકસાથે એકસંપ થઇને રહેવું પડયું અને જે કપરા સંજોગોમાં એકેએક દિવસ વિતાવવો પડયો તેની કટોકટી પળો વીતાવ્યા બાદ આખરે મળેલી જીતના હરખના આ આંસુ હતા. અહમદ પટેલે પણ કોંગ્રેસના દરેક ધારાસભ્યને વ્યકિતગત રીતે તેમને ભેટીને આભાર માન્યો હતો અને તેમની વફાદારીને લાખ લાખ સલામ કરી હતી. અહમદ પટેલે નાનામાં નાના કાર્યકરથી માંડી તેમની જીતમાં સીધી કે આડકતરી મદદ કરનાર સૌકોઇનો આભાર પણ માન્યો હતો.
બાપુનો માસ્ટરસ્ટ્રોક આખરે નિષ્ફળ
ગુજરાતના રાજકારણના ખેરખાં મનાતા શંકરસિંહ વાઘેલાએ જે પરિસ્થિતિમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી પોતાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દી ઝળહળતી કરવાના ઇરાદા સાથે અહમદ પટેલને મત નહી આપી તેમ જ તેમના સમર્થક એવા કોંગ્રેસના અન્ય સાત બળવાખોર ધારાસભ્યોના મત પણ ભાજપને અપાવી જે માસ્ટરસ્ટ્રોક માર્યો હતો તે આખરે ફેલ ગયો, જેના કારણે બાપુનુ રાજકીય ગણિત ઉંધુ પડી ગયુ. ગુજરાત અને દેશના રાજકીય વિશ્લેષકોમાં બાપુની આ રાજકીય કૂટનીતિ અને સ્વાર્થી માસ્ટરસ્ટ્રોકની ભારે નિંદા થઇ રહી છે. કારણ કે, એકબાજુ બાપુ છેક છેલ્લે સુધી જાહેરમાં નિવેદનો આપતા રહ્યા હતા કે, તેમનો મત તેમના પરમમિત્ર એવા અહમદભાઇ પટેલને જ રહેશે પરંતુ ગઇકાલે મતદાનના દિવસે બાપુએ યુ ટર્ન મારી મિત્ર કરતાં વેવાઇ બળવંતસિંહ રાજપૂત સાથેની સગાઇ નિભાવી તેમને મત આપ્યો હતો. એટલું જ નહી, બાપુએ મતદાન હજુ તો શરૂ જ થયુ હતું ત્યાં જાહેરમાં મીડિયા સમક્ષ મોટા ઉપાડે કોંગ્રેસ હારશે અને અહમદ પટેલ જીતવાના જ નથી તેવી જાહેરાતો કરી દીધી હતી તે બધી વાતોની હવા નીકળી ગઇ. આટલા વર્ષો રાજકારણમાં વીતાવ્યા બાદ પણ છેલ્લી ઘડીયે ડૂબતા વહાણને છોડી જે બાજુનું વહેણ હોય તે વહેણમાં તરી લેવાની બાપુની વેતરણ ઉંધી વળી ગઇ. વિશ્લેષકોના મતે, ગુજરાતના રાજકારણમાં બાપુની વિશ્વસનીયતા અને વફાદારી સામે હવે ગંભીર સવાલો ઊભા થઇ ગયા છે, તે જોતાં આગામી દિવસોમાં તેમની અને તેમના રાજકીય પુત્રની રાજકીય કારકિર્દી પર અસર વર્તાશે તે શકયતા પણ નકારી શકાય નહી.