(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી ત્રણ બેઠકો માટે આજે ખરાખરીના ખેલ સમાન યોજાયેલી ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાએ પોતે અહમદભાઈ પટેલને વોટ ન આપ્યો હોવાનું જણાવી વચન ભંગ તો કર્યો જ છે. સાથે સાથે વચન ફેરવી રાજપૂત સમાજની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડી ‘પ્રાણ જાએ પર વચન ન જાએ’ ના સૂત્રને રાજકારણના ગંદા ખાડામાં ફેંકી દીધી હોવાનું લોકો જણાવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલા અંગે એવું કહેવાતું હતું કે, તેઓ તેમના વચનમાં પાક્કા હતા અને તેઓ પણ વારંવાર કહેતા હતા કે આ રાજપૂત જબાન છે કદી ન ફરે પરંતુ કોંગ્રેસ પર તેમણે ઊભી કરેલી દબાણની રાજનીતિ બાદ પોતાને ન ફાવતાં તેઓએ વારંવાર નિવેદનો બદલી તેમની જ પ્રતિષ્ઠાને હાની પહોંચાડી છે. શંકરસિંહે કોંગ્રેસને અલવિદા કર્યા બાદ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું નહતું અને રાજ્યસભાની ચૂંટણી બાદ રાજીનામા આપીશ અને મારો મત અહમદભાઈ પટેલ માટે રિઝર્વ રહેશે એમ જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે નરો વા કુંજરોવાની નીતિ અપનાવી જો અહમદ પટેલને મારો મત જોઈતો હશે તો હું આપીશ. જ્યારે ગઈકાલે તેમણે એવું જાહેર કર્યું હતું કે, મારો વોટ સિક્રેટ છે જે હું જાહેર નહીં કરું અને આજે મતદાન કર્યા બાદ મેં અહમદ પટેલને મત નથી આપ્યો તેવું જાહેર કરી તેમણે આપેલા વચનનો ભંગ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજપૂત બંદો હંમેશા તેમના વચનમાં પાક્કો હોય છે. “પ્રાણ જાએ પર વચન ન જાય” તે કહેવતમાં બંધાયેલો હોય છે પરંતુ શકંરસિંહ વાઘેલાએ વારંવાર પોતાના નિવેદનો ફેરવી અને આજે તો વચનભંગ કરી રાજપૂત સમાજની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.