અમદાવાદ, તા.રપ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંંત્રી વિજય રૂપાણી વચ્ચેના ટ્યુનિંગને લઈને હાલ ગુજરાતના રાજકારણમાં હીટવેવ જેવી સ્થિતિની ચર્ચાઓ થઈ રહી છે જ્યારે ખુદ નીતિન પટેલ પોતાના વિશેની ફેલાયેલી વાતોને અફવા ગણાવી છે જો કે આ બધા વચ્ચે એક સમયના ભાજપના ખાસ અને પછી કોંગ્રેસના ખાસ ત્યારબાદ કોંગ્રેસમાંથી પણ પડતા મૂકાતા ‘જન વિકલ્પ’ પાર્ટી બનાવી કંઈ ખાસ ન ઉકાળી શકનાર શંકરસિંહ વાઘેલા બાપુનું જૂથ ફરી સક્રિય થતાં ગુજરાતના રાજકારણમાં કંઈ નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
શુક્રવારે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે શંકરસિંહ વાઘેલા જૂથની એક બેઠક યોજાઈ હતી જેમાં રાઘવજી પટેલ, સી.કે. રાઉલજી રામસિંહ પરમાર, અમિત ચૌધરી જેવા દિગ્ગજો ઉપસ્થિત રહેતાં રાજકારણમાં ગરમાવો આવે તો નવાઈ નહીં.
સર્કીટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં ઉપસ્થિત અમિત ચૌધરી, રામસિંહ પરમાર, રાઘવજી પટેલ, માનસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ વાઘેલા, સી.કે. રાઉલજી સહિતના શંકરસિંહ બાપુ જૂથના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાતના રાજકારણની વર્તમાન સમયની ગતિવિધિઓ અને પરિસ્થિતિઓ પર ચર્ચા થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી સાંપડી છે. ત્યારે હજુરિયા-ખજૂરિયા જૂથ દ્વારા ગુજરાતના રાજકારણમાં સત્તા પલટો લાવનાર અને નવો પક્ષ રાજપા સ્થાપી તત્કાલિન સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી બનનારા શંકરસિંહ વાઘેલાનું જૂથ ફરી એકવાર સક્રિય થતાં ગુજરાતના રાજકારણમાં કંઈ નવા-જૂની થવાની ચર્ચાઓ વેગવંતી બની છે.