અમદાવાદ, તા.૧૬
ગુજરાત કોંગ્રેસમાંથી છેડો ફાડનાર વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ધારાસભ્યપદેથી પોતાનું વિધિવત્‌ રાજીનામું આપી દીધંુ હતું. આજે સાંજે બાપુએ પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને સુપરત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ખાસ હાજર રહેતાં ભારે ચર્ચા ચાલી હતી અને શંકરસિંહના ભાજપમાં જોડાવા મામલે અટકળો ભારે તેજ બની હતી. જો કે, રાજીનામું આપ્યા બાદ બાપુએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, તે કોઇપણ પાર્ટીમાં જોડાવાના નથી. થોડા દિવસો પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે અગાઉ રાજીનામું આપી દીધું હતું. તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે સાંજે પાંચ વાગ્યે શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને રૂબરૂ મળી કપડવંજ વિધાનસભા બેઠકના ધારાસભ્યપદેથી વિધિવત્‌ રાજીનામું આપી દીધું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહ્યા હતા. રાજીનામું આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક દિવસોથી રાજીનામું આપવાનો વિચાર કરતો હતો અને ગઇકાલે મેં મારા કપડવંજ-કઠલાલ વિસ્તારના લોકો અને આગેવાનો સાથે ચર્ચા કરી તેઓને વિશ્વાસમાં લઇ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષે મારા રાજીનામા માટે સમય આપ્યો તે સમયે હું રાજીનામું આપવા આવ્યો છું. આ પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા તે બદલ હું તેઓનો આભાર માનું છું. બાપુ હવે તમે ભાજપમાં જોડાશો કે કેમ તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, હું કોઇપણ પક્ષમાં જોડાવાનો નથી. ભાજપ, કોંગ્રેસ, એનસીપી કે આપ કોઇ પક્ષમાં જવાનો નથી. હું રાજકારણમાં ચોકક્સપણ રહીશ પરંતુ કોઇ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી. હું કોઇ પક્ષની કંઠી કે ખેસ ધારણ કરવાનો નથી. હું રાજકારણમાં નિશંકપણે સક્રિય રહીશ. ગુજરાતની જીડીપી માટે જી ફોર ગ્રોથ, ડી ફોર ડેવલપમેન્ટ અને પી ફોર પ્રોગ્રેસ માટે હું સતત કાર્યરત રહીશ.
પ્રજાના પ્રશ્નો અને સેવા માટે હું રાજકારણમાં સક્રિય રહીશ. પ્રજા સિવાય કોઇની મહેરબાનીની જરૂર નથી.
બાપુના જવાથી હવે કોંગ્રેસની કમર તૂટી ગઈ છે : મુખ્યમંત્રી

શંકરસિંહ વાઘેલાના રાજીનામા પરથી હવે એ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે, બાપુ કોંગ્રેસ સાથે નથી. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં નહીં રહેવાથી હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને ભયંકર નુકસાન થશે એમ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. બાપુના રાજીનામા બાદ શું સંકેત છે તેવા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સંકેત કોંગ્રેસ માટે છે. બાપુ હવે કોંગ્રેસ સાથે નથી તે સ્પષ્ટ છે અને તેથી કોંગ્રેસની કમર તૂટી ગઇ છે. જેના કારણે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થશે. તેમણે ઉમેર્યું કે, બાપુએ વર્ષો સુધી જાહેરજીવનમાં સેવા આપી છે અને અમારા તો જનસંઘ વખતથી વડીલ છે. ઉલ્લેખનીય છે કે, આટલા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ હવે બાપુએ કોંગ્રેસપક્ષ સાથે છેડો ફાડી દેતાં તેની સીધી અસર વિધાનસભાની ચૂંટણીઓ પર ખાસ કરીને કોંગ્રેસના દૃષ્ટિકોણથી પડવાની છે તો, સાથે સાથે ભાજપને તેનો ફાયદો પણ થવાનો છે તે નક્કી છે. તેથી બાપુની ચૂંટણીની વ્યૂહરચના સામે હવે કોંગ્રેસ પક્ષ શું રણનીતિ ઘડે છે તે જોવાનું રહેશે.