(એજન્સી) જમ્મુ, તા. ૩૦
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે વધુ એક કાર વિસ્ફોટ થયો હતો. જમ્મુ-શ્રીનગર હાઇવે પર આવેલી જવાહર ટનલ પાસે આ વિસ્ફોટ થયો હતો જ્યાં સીઆરપીએફનો કાફલો પસાર થઇ રહ્યો હતો. વિસ્ફોટ સમયે અહીંથી સીઆરપીએફનો કાફલો રવાના થતો હતો ત્યારે જ થયો હતો. વિસ્ફોટ બનિહાલથી આઠ કિલોમીટર દૂર થયો હતો. કારમાં મુકેલા સિલિન્ડરમાં ધડાકો થવાને કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. અહેવાલો અનુસાર વિસ્ફોટમાં સીઆરપીએફની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હોવાનું કહેવાયું છે. આ વિસ્ફોટ સેન્ટ્રો કારમાં થયો છે. ઘટના પહેલા કારનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હોવાનું કહેવાય છે. વિસ્ફોટ બાદ કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે.
ઘટનાસ્થળે હાજર રહેલી સીઆરપીએફને અહીંથી ઓઇલની બોટલો અને બે એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ હાલતમાં મળી આવ્યા છે. સીઆરપીએફે નિવેદનમાં જણાવ્યું છે કે, આજે સવારે ૧૦.૩૦ વાગ્યે જમ્મુ-કાશ્મીરના બનિહાલ નજીક એક પ્રાઇવેટ કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જ્યારે તે જ સમયે સીઆરપીએફનો કાફલો પસાર થઇ રહ્યો હતો. કારમાં વિસ્ફોટ બાદ આગ લાગવાથી સીઆરપીએફના એક વાહનની આગળના ભાગમાં થોડું નુકસાન થયું છે. આ ઘટનામાં સીઆરપીએફના કોઇ જવાનને ઇજા નથી થઇ. આ ઘટનાની તપાસ ચાલુ છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે, કારમાં રહેલા ગેસ સિલિન્ડરને કારણે આ ઘટના બની હોય તેવું પ્રાથમિક રીતે દેખાય છે પરંતુ આ કારમાં વિસ્ફોટની પ્રાથમિક ચકાસણીને આધારે છે. વિસ્ફોટની તીવ્રતા વધુ દેખાડાઇ છે. હાલ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે, કારમાં સિલિન્ડર વિસ્ફોટ આકસ્મિક રીતે થયો છે કે કેમ. જોેકે ડ્રાઇવર ફરાર થવાને કારણે વધુ તપાસની જરૂર છે. અધિકારીઓએ કહ્યું છે કે, આ અંગે વધુ તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામા નજીક સીઆરપીએફ જવાનોના કાફલા પર કારબોમ્બ વિસ્ફોટ કરીને ૪૦થી વધુ જવાનોને શહીદ કરવામાં આવ્યા હતા.