(એજન્સી) મથુરા, તા.ર૩
ભાજપ રામમંદિર બનાવવા ઈચ્છતી નથી પરંતુ ભાજપનો ઉદ્દેશ્ય રામમંદિરના નામે સત્તા મેળવવાનો છે. આવું દ્વારકાશારદા મઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું છે. રવિવારે ચાતુર્માસ પ્રવાસ માટે વૃંદાવન આવેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના નિશાન પર જ્યાં ભાજપા અને મોદી-યોગી સરકારો રહીં તો બીજી તરફ તેમણે રાહુલ ગાંધીની પ્રશંસા કરી. શંકરાચાર્યએ પત્રકારોને વાતચીતમાં કહ્યું કે ભાજપા રામમંદિર બનાવવા ઈચ્છતી નથી. તે આગામી લોકસભા ચૂંટણીમાં રામમંદિરના નામે સત્તા મેળવવા ઈચ્છે છે. તેમણે મોદી સરકાર પર આરોપ મૂકયો કે સરકાર રામમંદિરના મુદ્દે ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર ગૌહત્યા રોકવા કલમ ૩૭૦ અને સમાન સિવિલ કોડ જેવા કાયદાઓ ઘડી શકી નથી. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા ભાષણની પ્રશંસા કરી અને કહ્યું કે, લોકસભામાં રાહુલ ગાંધીએ પપ્પુ કહેવાનો વિરોધ નથી કર્યો પરંતુ ભાજપાની નીતિઓનો વિરોધ કર્યો છે. ર૭ જુલાઈથી શરૂ થઈ રહેલા ચતુર્માસ વ્રત માટે પહેલીવાર વૃંદાવન આવેલા શંકરાચાર્યએ કહ્યું કે વ્રજની પાવન ભૂમિ ભક્તિ અને મોક્ષની સાથે સાથે શક્તિ અને શાંતિ પણ આપે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણની પ્રશંસા કરતાં શંકરાચાર્યએ તેમ પણ કહ્યું કે, જો લોકો ઈચ્છે તો ર૦૧૯માં વિપક્ષી ગઠબંધન મોદી સરકારનો વિકલ્પ બની શકે છે. કેન્દ્ર તેમજ પ્રદેશની સરકારથી અસંતુષ્ટ શંકરાચાર્યએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે સંસદમાં સ્પષ્ટપણે કહ્યું કે તે મોદીના નહીં તેમની નીતિઓના વિરોધમાં છે તેથી તેઓ પોતાનું સંબોધન પૂરું કરીને વડાપ્રધાનને ભેટવા તેમની સીટ પાસે પહોંચ્યા.