(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૮
ફતેપુરા કુંભારવાડા ગણપતિ સવારીના યુવકોએ ગત ગુરૂવારના રોજ મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચે એવા શબ્દોચ્ચાર કર્યા હોવાનો એક વીડિયો વાયરલ થતાં કોર્પોરેટર ફરીદ કટપીસવાલા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી આ પ્રયાસ કરનારા યુવક મંડળો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરનાર છે.
વિગત અનુસાર ગત ગુરૂવારે કુંભારવાડાના ગણપતિની સવારી નીકળી હતી. આગળ ડીજે અને પાછળ યુવકો નાચી રહ્યા હતા. જાહેર માર્ગ ઉપર સવારી આવી ત્યારે અતિસંવેદનશીલ રાજમાર્ગ ઉપર ડીજેના તાલે ઝૂમી રહેલા યુવકોએ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા નારા લગાવ્યા હતા. પોલીસ અધિકારીઓએ મામલો બીચકે એ પહેલા સવારીને ઝડપભેર આગળ ધપાવવા સૂચના આપતા કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. આથી ગણપતિ વિસર્જનના દિવસે પોલીસે પૂરતો બંદોબસ્ત જાળવી તોફાન ફેલાવવા માગતા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરે. તેમજ દરેક સવારીની વીડિયો ગ્રાફી કરવી જોઈએ. જેથી તોફાની તત્ત્વોને ઓળખી શકાય. તેમ ફરીદ કટપીસવાળાએ જણાવ્યું હતું.