(એજન્સી) બેઈજિંગ, તા.૬
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમનની અરૂણાચલ પ્રદેશની મુલાકાતનો વિરોધ કરતાં ચીને સોમવારે કહ્યું કે સીતારમનની મુલાકાતથી વિવાદીત વિસ્તારમાં શાંતિ અસ્થિર બનશે. ચીને ઉમેર્યું કે નવી દિલ્હી અને બેઈજિંગ વિવાદીત સરહદે શાંતિ જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. સંરક્ષણ મંત્રી તરીકેની પહેલી મુલાકાતના ભાગરૂપે સીતારમન રવિવારે અરૂણાચલ પ્રદેશના અનજવ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે જનરલ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફ ઓફ ઈસ્ટર્ન કમાન્ડ લેફ.જનરલ અભય કૃષ્ણા અને લશ્કરના બીજા સિનિયર અધિકારીઓ હાજર હતા. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે તમારી ચીનની સ્થિતિ વિશે સ્પષ્ટ અભિપ્રાય ધરાવવો જોઈએ. ચીન-ભારત સરહદ પર પૂર્વોતર વિસ્તારમાં વિવાદ છે. ભારતીય સાઈડ દ્વારા આ મુલાકાત વિવાદીત વિસ્તારની શાંતિ અને સ્થિરતા માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે અમને આશા છે કે વાતચીત દ્વારા સરહદી વિવાદનો ઉકેલ લાવવા માટે મહત્ત્વનું યોગદાન આપવા માટે બન્ને દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ તથા આ માટેની સ્થિતિ અને માહોલ બનાવવો જોઈએ. ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિમી લાંબી વાસ્તવિક અંકુશરેખા છે. આ પહેલાં જ્યારે નિર્મલા સીતારમન નાથુલાની મુલાકાતે ગયા હતા ત્યારે ચીને તેને આવકારી હતી. મંત્રાલયના પ્રવક્તાએ એવું પણ કહ્યું કે નવી દિલ્હી અને બેઈજિંગ વિવાદીત સરહદે શાંતિ જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. ચાલુ વર્ષની શરૂઆતમાં તિબેટના ધર્મગુરૂ દલાઈલામાની અરૂણાચલની મુલાકાતને કારણે વિવાદ ઊભો થયો હતો.