(એજન્સી) કોલંબો,તા.ર૬
શ્રીલંકાના કોલંબોમાં શુક્રવારની પ્રાર્થના માટે મુસ્લિમોને વિનંતી કરતા સેંકડો મુસ્લિમો મુખ્ય મસ્જિદમાં આવ્યા હતા. મસ્જિદને સૈન્યે પૂરતું રક્ષણ પુરૂ પાડયું હતું. ચાર દિવસ પહેલા શ્રીલંકામાં શ્રેણીબધ્ધ વિસ્ફોટોમાં રપ૩ વ્યકિતઓનું મૃત્યુ થયા પછી શ્રીલંકા સરકાર મુસ્લિમોને પૂરતા પ્રમાણમાં સુરક્ષા પૂરી પાડવાની કામગીરી કરી રહી છે.
શ્રીલંકામાં ૧૦ હજાર સૈનિકોને ફરજ ઉપર મુકાયા છે. જે હુમલાખોરોની શોધમાં મદદ કરી રહ્યા છે અને ધાર્મિક કેન્દ્રોનું રક્ષણ કરી રહ્યા છે. મુસ્લિમો પ્રતિહિંસાના ભય હેઠળ પોતાના ઘરો છોડી કેમ્પમાં ભેગા રહી રહ્યા છ.ે જયાં એમને સુરક્ષા પુરી પડાઈ રહી છે. કોલંબોમાં આવેલ કોલ્લુપિટીયા જુમ્મા મસ્જિદમાં સરકારની મનાઈ છતાં સેંકડો મુસ્લિમો પ્રાર્થના માટે ઉમટી પડયા હતા. એમણે શ્રીલંકામાં પુનઃ શાંતિની સ્થાપના થાય એ માટે પ્રાર્થના કરી હતી. ર૮ વર્ષીય સેલ્સ વર્કર રઈસ ઉલ્હાગે કહ્યું દુખની વાત છે કે સૈનિકોએ પ્રાર્થના કરનારાઓને શાંતિથી પ્રાર્થના કરવાની સગવડ આપી ન હતી. એમણે કહ્યું કે અમે ક્રિશ્ચિયન, બૌદ્ધો અને હિન્દુઓ સાથે હળીમળીને રહીએ છીએ. પણ અમુક થોડા લોકોના લીધે ભયનો વાતાવરણ સર્જાયું છે. રવિવારે થયેલ બોમ્બ બ્લાસ્ટથી છેલ્લા ૧૦ વર્ષથી સ્થપાયેલ શાંતિ ભંગ થઈ હતી. શ્રીલંકામાં ર.ર કરોડની વસ્તી છે જેમાં ક્રિશ્ચિયન, મુસ્લિમો અને હિન્દુઓ લઘુમતીમાં છે.
વિશ્વના અનેક દેશોમાં હાલમાં ધર્મના નામે તંગદિલી ફેલાયેલ છે પણ શ્રીલંકામાં મુસ્લિમો અને ક્રિશ્ચિયનો આજુબાજુમાં શાંતિથી રહે છે. જયાં કોઈપણ પ્રકારની તંગદિલી નથી. મોટા ભાગના લંકાના નિવાસીઓ ઈચ્છે છે કે દેશમાં કોમી એખલાસ જળવાઈ રહે.
૪૩ વર્ષીય એન્જિનિયર અબ્દુલ વહીદ મોહમ્મદે કહ્યું ‘બધા મુસ્લિમો ત્રાસવાદીઓ નથી હોતા’ જયારથી આ ઘટના બની છે અમે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે શાંતિની સ્થાપના વહેલી તકે થાય.