(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨૧
શહેરમાં બકરી ઇદનો તહેવાર તેમજ અગામી દિવસોમાં ગણપતિનો તહેવાર આવતો હોઇ, નવાપુરા પોલીસ મથક ખાતે વિસ્તારનાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓને બોલાવી શાંતિ સમિતિની બેઠક મળી હતી.
આવતીકાલે શહેરમાં બકરી ઇદનો તહેવાર ઉજવવામાં આવનાર છે.સાથે જ આગામી દિવસોમાં ગણપતિનો તહેવાર આવતો હોઇ, શહેરમાં કોમી એકતા અને ભાઇચારો જળવાઇ રહે તે અંગે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. જેનાં પગલે નવાપુરા પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન-૨ તેમજ નવાપુરા પોલીસ મથકનાં પી.આઇ. ડી.કે. રાવની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિસ્તારનાં હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યાં હતા. તેમજ કોમી એકતા અને ભાઇચારા સાથે બંને તહેવારો ઉજવાઇ તેવી બાંહેધરી આપી હતી. આ ઉપરાંત પી.આઇ. ડી.કે. રાવને અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવનાર હોઇ સહિત પોલીસ કમિશ્નર કેસરીસિંહ ભાટીએ જાહેર કરેલી અખબાર યાદીમાં તા.૧૩-૯-૧૮ થી ૨૩-૯-૧૮ સુધી ઉજવવામાં આવનાર ગણેશ ઉત્સવ માટે ગણેશ મંડળનાં આયોજકો તેમજ જાહેર જનતાને ગણેશ ઉત્સવ દરમ્યાન લાઉડ સ્પીકર વગાડવા તેમજ શ્રીજીની સ્થાપના અને વિસર્જન અંગેની સંપૂર્ણ વિગતો વિસ્તારનાં પોલીસ મથકમાં આપી દેવા જણાવ્યું છે. સાથે જ ગણેશ ઉત્સવ દરમ્યાન સવારે ૬ થી રાતનાં ૧૦ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરનો કરવાની પરવાનગી આપવામાં આવી છે.