(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૨૭
કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં શાપુરજી પાલોનજી ગ્રુપ દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા પોર્ટ ખાતે વેસ્ટ કોસ્ટ લીકવીડ ટર્મીનલ દ્વારા રૂા.૧૪ર૬ કરોડના ખર્ચે ૧૦ એમ.એમ.ટી.પી.એ.ની ઉત્પાદન ક્ષમતા ધરાવતા એલ.પી.જી. ગેસ અને તેના સ્ટોરેજ માટે આજરોજ છારા મુકામે જિલ્લા કલેકટર અને પોલ્યુશન બોર્ડના અધિકારીની ઉપસ્થિતિમાં પર્યાવરણીય લોક સુનાવણીનો શાંતિભર્યા વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં પ્રોજેક્ટના અસરગ્રસ્ત છારા, પીપળી, કાજ, દેવળી, સરખડી, વેલણ, માઢવાડ સહિતના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય પર્યાવરણની ચિંતા કરવા તજજ્ઞો પણ હાજર રહ્યા હતા. પ્રોજેકટ આસપાસના ગામોના લોકોએ વેસ્ટ કોસ્ટ લીકવીડ ટર્મીનલ પ્રોજેકટને આવકાર્યો હતો. પરંતુ સાથોસાથ આ વિસ્તારના લોકોના આરોગ્ય, શિક્ષણ, રોજગારી, પીવાના પાણીની સમસ્યા, રોડ-રસ્તા સહિતના પ્રાથમિક જીવન જરૂરિયાતના પ્રશ્નોને કંપની દ્વારા પ્રાધાન્ય આપવામાં આવે તેની ચિંતા વ્યકત કરી હતી. જે અંગે કંપનીના અધિકારીઓએ આ તમામ પ્રશ્નો અંગે લોકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષવા બાંહેધરી આપી હતી. જ્યારે પ્રોજેક્ટ ચાલુ થયા પછી આ વિસ્તારના માછીમારોને અન્ય જગ્યાએ હિજરત કરી ન જવી પડે તેની ચિંતા કરતા પ્રશ્નો સામે માછીમારોની આવાસ અને તેની આજીવિકા માટે પણ કંપની દ્વારા પુરતી મદદની ખાત્રી અપાઈ હતી. સુચિત પ્રોજેક્ટથી પર્યાવરણને થતા નુકસાનની ચિંતા કરતા પર્યાવરણ વાદીના પ્રશ્ન સામે કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે વિશ્વના વિકસીત દેશોમાં બનેલા આવા પ્રોજેક્ટનું નિયમિત ધોરણે નિરીક્ષણ કરવામાં આવશે. એ માટે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લિ. જેવા નિષ્ણાતોનું સતત મોનીટરીંગ રાખવામાં આવશે. તેવું જણાવ્યું હતું. એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ટર્મીનલ પ્રોજેકટની પર્યાવરણમાં લોક સુનાવણી સંપન્ન થઈ હતી.