(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
શહેરના નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રયની બાજુની ખોલીમાં જૈન મુનિ શાંતિ સાગર મહારાજે વડોદરાની એક યુવતી સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ ચાર્જ ફ્રેમ થવાનો હતો, પરંતુ પોલીસ બંદોબસ્ત નહીં મળવાને કારણે આરોપી જૈન મુનિને કોર્ટ સમક્ષ રજૂ કરાયા નહીં. હવે ૧૫મીએ ઓક્ટોબરના રોજ ચાર્જ ફ્રેમ થવાની શક્યતાઓ રહેલી છે. આરોપી છેલ્લા ૧૧ મહિનાથી લાજપોર જેલમાં બંધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ખાતે રહેતી અને ફેશન ડિઝાઈનનો અમદાવાદ ખાતે કોર્ષ કરતી એક યુવતી સાથે જૈન મુની શાંતિ સાગર મહારાજે બળાત્કાર ગુજાર્યો હતો. ગત તા. ૧૩ ઓક્ટોબરના રોજ અઠવા પોલીસ મથકમાં આરોપી જૈન મુની સામે ગુનો દાખલ કરાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ કરાવી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આરોપી સામે અઠવા પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાબાદ ચાર્જ ફ્રેમ થવાનો તબક્કો હતો, પરંતુ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોય આરોપીની કસ્ટડી કોર્ટમાં આવી ન શકતા હવે ૧૫મી ઓક્ટોબરના રોજ તેમની સામે ચાર્જ ફ્રેમ થવાની શક્યતાઓ રહેલી છે તેવું પીડિતાના એેડવોકેટ મુખત્યાર શેખે જણાવ્યું હતું.