ભાવનગર, તા.૩૧
ભાવનગર જિલ્લા તળાજા ખાતે કટ્ટરવાદી શખ્સોએ ભેગા થઈ મુસ્લિમ સમાજની વ્યક્તિની દુકાનમાંથી કોઈપણ ચીજ-વસ્તુ ન ખરીદવા જાહેરમાં શપથ લેવડાવતા હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે વર્ગ વિગ્રહ અને વિવાદ સર્જાય તેવું ભાષણ આપતા આ અંગે મુસ્લિમ એકતા મંચ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી, આ શખ્સો સામે એફઆઈઆર નોંધી રેલી તથા પ્રવચન માટે પરમિશન આપી હતી કે કેમ ? તે અંગે તપાસ કરવા અનુરોધ કર્યો છે. તળાજા ખાતે તા.ર૯/૧૦/ર૦૧૮ના રોજ ૧૧ઃ૩૦ કલાકે તળાજા ભુપતભાઈ વૈદ્ય બાગ ખાતે પ૦ જેટલા શખ્સોએ સાથે મળી સ્કૂટર રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પાઠવ્યા બાદ ઉક્ત કચેરી ખાતે બહાર પગથિયા ઉપર જ હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે વર્ગ વિગ્રહ અને વિવાદ સર્જાય તેવું ભાષણ આપ્યું હતું. આ પ્રવચન કિરીટ મિસ્ત્રી રહે.ભાવનગર તેમજ અન્ય ચાર ઈસમો મનુભાઈ પટેલ રહે. તળાજા, પી.પી. સરવૈયા રહે. તળાજા, એ.બી. મેર રહે. તળાજા, અશોક મિસ્ત્રી રહે.તળાજા તેમજ પ૦ જેટલા ઈસમો હાજર રહ્યા હતા. બે કોમ વચ્ચે નફરત ફેલાય તેવા ઉશ્કેરણીજનક ભાષણો આપી મુસ્લિમ સમાજનો જાહેર બહિષ્કાર કરી મુસ્લિમ સમાજના વ્યક્તિની દુકાનેથી કોઈપણ ચીજ-વસ્તુ ન ખરીદવા જાહેરમાં શપથ લેવડાવ્યા હતા. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. જેનાથી સમગ્ર રાજ્યના મુસ્લિમોની લાગણી દુભાઈ છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, જેમાં દરેક ધર્મના લોકો રહે છે અને તમામ લોકો હળીમળીને રહે છે. આવી કટ્ટર વિચારધારા ધરાવતા લોકો બે કોમ વચ્ચે પલિતો ચાંપવાનો પ્રયાસ કરતા આ અંગે મુસ્લિમ એકતા મંચ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી, આવા શખ્સો સામે એફઆઈઆર નોંધી તેમની સામે કાયદેસરના પગલાં ભરવા માંગ કરી છે તથા રેલી અને પ્રવચનની મંજૂરી લીધી હતી કે કેમ ? તે અંગે તપાસ કરવામાં માંગ કરી છે.