National

ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફ સહિત ત્રણ ન્યાયમૂર્તિઓએ સુપ્રીમકોર્ટના જજ તરીકે શપથ લીધા

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
હાલના વિવાદો વચ્ચે ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફ સહિત ત્રણ નવા ન્યાયમૂર્તિઓએ મંગળવારે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે સોગંદ લીધા હતા. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ ત્રણે જજોને શપથ લેવડાવ્યા હતા. આમ હવે સુપ્રીમકોર્ટમાં જજોની સંખ્યા રપ થઈ હતી. કોર્ટમાં ૩૧ જજોની ક્ષમતા છે. ન્યાયમૂર્તિ ઈન્દિરા બેનરજી ૬૮ વર્ષમાં પહેલીવાર આઠમી મહિલા જજ બની. પહેલીવાર સુપ્રીમકોર્ટમાં ત્રણ જજ મહિલા હશે. તે પહેલાં બે મહિલા જજ કોર્ટમાં રહી ચૂકયા છે. પહેલાં ઈન્દિરા બેનરજી, બીજા વિનીત સરણ અને ત્રીજા કે.એમ.જોસેફે શપથ લીધા હતા. સોમવારે સુપ્રીમકોર્ટના જજોએ તેમની કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠતાને ઘટાડવાના પગલાં અંગે આપત્તિ જગાવી હતી. તેઓ આ મુદ્દે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને મળ્યા હતા. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે મંગળવારનો દિવસ ભારતીય ન્યાયતંત્ર માટે કાળો દિવસ ગણાવ્યો. તેમણે આરોપ મૂકયો કે સરકાર એવો સંદેશ આપવા માંગે છે કે જજ તેમના પક્ષમાં નિર્ણય ન કરે તો તેમની સાથે આવો જ વ્યવહાર થશે. આ સરકારનો અહંકાર છે. જસ્ટિસ ઈન્દિરા બેનરજી અને વિનીત સરણ પછી કે.એમ.જોસેફ શપથ લેતાં જુનિયર બની જશે.