(એજન્સી) મુંબઇ, તા.૨૭
એનસીપીના સુપ્રીમો શરદ પવારે કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શુક્રવારે બપોરે બે વાગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના કાર્યાલયે જવાની યોજના રદ કરવાની જાહેરાત કરી છે. શરદ પવારના સંદેશાના જવાબમાં ઇડીએ જણાવ્યું કે જરૂર જણાશે ત્યારે અમે તમને બોલાવીશું. શુક્રવારે ઇડી કાર્યાલય ખાતે તમારી ઉપસ્થિતિની કોઇ જરૂર નથી.
શરદ પવારને શુક્રવારે બપોરે બે વાગ્યે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કાર્યાલય ખાતે હાજર થવા માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ ઈડી કાર્યાલય પહોંચે તેની થોડીવાર પૂર્વે જ તેમને ઈડીએ ઓફિસ પર નહીં આવવા જણાવી દીધું હતું. ઈડીએ શરદ પવારને જણાવ્યું કે, અત્યારે પૂછપરછની કોઈ જરૂર નથી જ્યારે જરૂર પડશે ત્યારે અમે જણાવીશું. પવારે આ મામલે જણાવ્યું કે, તેઓ કાયદો અને વ્યવસ્થા કથળે તેવું ઈચ્છતા નથી. મુંબઈ પોલીસે તેમને ઈડી ઓફિસ નહીં આવવા વિનંતી કરી હતી. મહારાષ્ટ્રમાં રાજ્ય સહકારી બેંક કૌભાંડમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવારને આરોપી બનાવવામાં આવ્યા છે. પવારની ઈડી કચેરીમાં હાજરી દરમિયાન વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને કાર્યાલય બહાર કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. મુંબઈગરાઓને આ વિસ્તારમાં ના જવા સલાહ આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે મુંબઈના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ટ્‌વીટમાં જણાવાયું છે કે, પ્રિય મુંબઈકર્સ, મહેરબાની કરીને ધ્યાન રાખો કે સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ આ વિસ્તારમાં ટોળાને એકત્ર થવા પર પ્રતિબંધ લગાવાયો છે, જેમાં કોલાબા સ્ટેશન, કફે પરેડ સ્ટેશન, મરીન ડ્રાઇવ, આઝાદ મેદાન, ડોંગરી સ્ટેશન, જેજે માર્ગ અને એમઆરએ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. શરદ પવારે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા વિશે મને ખબર છે. ખોટા પગલાથી સમગ્ર રાજ્યમાં કાયદો-વ્યવસ્થા બગડી શકે છે. હું એ તમામનો આભારી છું જેઓએ મને આ મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. કૌભાંડ સાથે મારે કોઈ લેવા-દેવા નથી, આ સમગ્ર મામલો રાજનીતિથી પ્રેરિત છે.

શરદ પવારની ઇડી ઓફિસની આયોજિત મુલાકાત પહેલા મુંબઇ પોલીસે દક્ષિણ મુંબઇમાં કલમ ૧૪૪  લગાવી, એનસીપીએ પોલીસના
આદેશનો ભંગ કરવાનો સંકલ્પ કર્યો

(એજન્સી) મુંબઇ, તા.૨૭
મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ભ્રષ્ટાચારના કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એનસીપીના નેતા શરદ પવારને બોલાવ્યા નહીં હોવા છતાં તેમની ઇડીના કાર્યાલયની આયોજિત મુલાકાત પહેલા મુંબઇ પોલીસે દક્ષિણ મુંબઇના વિશાળ ભાગમાં ભારે સંખ્યામાં લોકોના એકત્રિત થવા સામે પ્રતિબંધ લાદી દીધો હતો. શરદ પવારે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થવાના હોવાથી ઇડીની પૂછપરછ માટે તેઓ સ્વૈચ્છિક રીતે ઇડીના કાર્યાલય ઉપસ્થિત થશે. મુંબઇ પોલીસ દ્વારા પ્રતિબંધ લાદવાના ન્યૂઝ અંગે પ્રતિક્રિયા આપતા એનસીપીએ જણાવ્યું કે પક્ષ દ્વારા પોલીસના આદેશનો ભંગ કરવામાં આવશે. એનસીપીના નેતા જિતેન્દ્રે લખ્યું છે કે અમને રોકવા માટે તમે તમારાથી થતા શ્રેષ્ઠ પ્રયાસો કરો. અમે ઇડી ઓફિસે પહોંચીશું. તમે તમારી ફરજ અદા કરો, અમે અમારી ફરજ અદા કરીશું.

મુંબઇ પોલીસ વડાને મળ્યા બાદ શરદ પવારે ઇડી કાર્યાલયે જવાનું મોકૂફ રાખ્યું

(એજન્સી) મુંબઇ, તા. ૨૭
એનસીપીના વડા શરદ પવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) કાર્યાલયે જવાનું શુક્રવારે મોકૂફ રાખ્યું છે. તેમણે જણાવ્યું કે મુંબઇમાં બલ્લાર્ડ એસ્ટેટ ખાતે આવેલી ઇડીની ઓફિસે નહીં જવાની સત્તાવાળાઓ દ્વારા તેમને વિનંતી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ૨૩,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના સંદર્ભમાં ઇડી દ્વારા મંગળવારે એનસીપી સુપ્રીમો શરદ પવારે અને ૭૬ નેતાઓને નોટિસ આપવામાં આવી હતી. નોટિસના એક દિવસ બાદ શરદ પવારે એવી જાહેરાત કરી હતી કે શુક્રવારે તેઓ સ્વૈચ્છિક રીતે ઇડી સમક્ષ ઉપસ્થિત થશે અને ઇડીના બધા જ પ્રશ્નોના જવાબ આપશે. અગાઉ, મુંબઇના પોલીસ કમિશનર સંજય બાર્વે, જોઇન્ટ પોલીસ કમિશનર વિનય ચૌબે અને અધિકારીઓની એક ટીમે શરદ પવાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને ઇડી ઓફિસે નહીં જવાની તેમને વિનંતી કરી હતી.