(એજન્સી) તા.૨૫
મહારાષ્ટ્રમાં જ્યારથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ની મુશ્કેલીઓ ચરમસીમાએ હતી. જોકે ભાજપ તો જોરશોરથી પ્રચાર કરવામાં અને મોટી મોટી ડિંગો હાંકવામાં આગળ જ રહ્યો. જોકે જેમ જેમ પરિણામો આવતાં ગયા તેમ તેમ કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનના દેખાવની ચોરકોર પ્રશંસા થવા લાગી. મહત્વપૂર્ણ વાત તો એ છે કે શરદ પવારની પાર્ટી એનસીપી આ વખતે કોંગ્રેસ કરતાં પણ વધુ બેઠકો જીતવામાં સફળ રહી. તેમણે ખાસ કરીને સ્થાનિક મુદ્દાઓ પર વાતચીત કરવાની શરૂઆત કરી હતી અને તેમણે ભાજપના નેતાઓને લોકોને ગેરમાર્ગે દોરવા ન દીધા. ભાજપના નેતાઓ શરદ પવાર અને તેમના પરિવારને નિશાને લઈ રહ્યાં હતાં. કોંગ્રેસને આ વખતે ૪૭ જેટલી બેઠકો મળી. જોકે એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને ભાજપથી વધુ સીટો મેળવી. બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવારે વિધાનસભા ચૂંટણી પહેલાં જીતનું બીડું ઉઠાવ્યું હતું. તેમણે આખા રાજ્યમાં પ્રવાસ કર્યો. તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના સંસદસભ્ય અમોલ કોલ્હેએ પણ તેમને સારો એવો સાથ આપ્યો હતો. રાજ્યમાં કરેલા ઝંઝાવાતી પ્રચારને સફળતા મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ કરતા રાષ્ટ્રવાદીને વધુ સીટ મળી હતી. ૨૦૧૪માં પાર પડેલી ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસને ૪૧ સીટ મળી હતી. પણ આ ચૂંટણી પહેલાં રાષ્ટ્રવાદીને મોટા આંચકા સહન કરવા પડ્યા હતા. અનેક દિગ્ગજોએ પક્ષને રામ રામ કરતા ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પણ એ પછી શરદ પવારે રાજ્યમાં જબરદસ્ત પ્રચાર કર્યો. થોડા દિવસ પહેલાં ઉદયનરાજે ભોસલેએ રાષ્ટ્રવાદી છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. એ પછી સંસદસભ્ય પદનું રાજીનામું આપ્યું હતું. અહીં થયેલી પેટાચૂંટણીમાં ભોસલેનો પરાજય થયો હતો. વરસતા વરસાદમાં શરદ પવારે લીધેલી પ્રચારસભાનો ફાયદો રાષ્ટ્રવાદીના ઉમેદવારને થયો હતો. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે ચૂંટણી લડ્યા છતાં રાષ્ટ્રવાદીની સરખામણીએ કોંગ્રેસે એવો પ્રચાર કર્યો નહોતો, જ્યારે શરદ પવારે ૫૦ કરતા વધારે સભાઓ લીધી હતી. એના મીઠા ફળ રાષ્ટ્રવાદીને મળ્યા હતા. મહારાષ્ટ્રમાં પક્ષપલટુઓ અને બળવાખોરો માટે પણ શરદ પવાર એક મોટો પડકાર સાબિત થયા.