(એજન્સી) નવી દિલ્હી, તા.૩
એનસીપી અધ્યક્ષ શરદ પવારે આજે જણાવ્યું હતું કે, એમને ખબર હતી કે, એમનો ભત્રીજો અજીત પવાર ભાજપના દેવેન્દ્ર ફડનવીસ સાથે વાતચીત કરી રહ્યો હતો પણ મેં કયારે પણ વિચાર્યું ન હતું કે એ આ હદે પણ જઈ શકે છે. અર્થાત જે એમણે કર્યું હતું. પવારે જણાવ્યું કે, જ્યારે ર૩મી નવેમ્બરે સવારે ૬ઃ૩૦ વાગે અજીત પવારના સોગંદ લેવાની જાણ થઈ ત્યારે મને આંચકો લાગ્યો હતો. એ કહેવું તદ્દન ખોટું છે કે, મને આ વાતની અગાઉથી જાણકારી હતી. પવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મને કહ્યું હતું કે, આપણે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી સહયોગથી કામ કરવું જોઈએ પણ એમણે મને રાષ્ટ્રપતિના હોદ્દાની અથવા સુપ્રિયા સુલેને કેબિનેટમાં મંત્રી પદ આપવાની વાત કરી ન હતી. પવારે કહ્યું મને મોદીએ કોઈપણ મંત્રાલય આપવાની વાત કરી ન હતી. કૃષિ મંત્રાલયની જે વાતો થઈ રહી છે એ ખોટી છે. પવારે પોતાના ભત્રીજાની છેતરપિંડીનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, એમની વચ્ચે કોંગ્રેસ નેતાઓ સાથે તીવ્ર ચર્ચા વિચારણા અને દલીલો થઈ હતી. અજીત ખૂબ જ રોષે ભરાયેલ હતો. એમણે મારા અન્ય સાથીઓને કહ્યું કે મને સમજાતું નથી કે આપણે કોંગ્રેસ સાથે કઈ રીતે ગઠબંધન સાચવીશું. પવારે કહ્યું કે, અજીતને રોષ હતો પણ મને જરાય ખ્યાલ ન હતો કે એ ફડનવીસ સાથે મળી આ મુજબ યોજના બનાવશે. જો કે, ભાજપના નેતાઓ કહી રહ્યા હતા પણ મને વિશ્વાસ ન હતો.