(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે, દેશને સત્તાધારી ભાજપનો એવો વિકલ્પ જોઈએ છે જે ભારતમાં ટકી શકે. શરદ પવારનું આ નિવેદન રાહુલ ગાંધીને નિશાન બનાવી કરાયું હતું. રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધી ગઠબંધન બનાવવાની સંભાવનાઓ અંગેના સવાલ પર પવારે સંવાદદાતાઓને કહ્યું કે, દેશમાં ભાજપ વિરોધી ભાવનાઓ ઊભરી છે. લોકોને બદલાવ માટે વિકલ્પની જરૂર છે જે દેશમાં ટકી શકે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે, એવું લાગે છે કે, બિનભાજપી પક્ષો કેટલાક સમાન મુદ્દે સાથે આવી રહ્યા છે. સરકારનો મુકાબલો કરવા માટે એક અધિક સંગઠિત ઢાંચો બનાવવા માટે આ દળોને થોડો સમય જોઈએ. નાગરિક સંશોધન કાનૂન પર વધતા જતાં વિરોધ અંગે એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે, એવી અપેક્ષા હતી કે, અશાંતિ કેટલાક રાજ્યો પૂરતી મર્યાદિત રહેશે. તેમણે કહ્યું કે, ભાજપની આકાંક્ષાઓ વિપરીત કેટલાક રાજ્યોમાં નવા કાનૂનથી અશાંતિ સર્જાશે. તેમના શાસનવાળા આસામમાં પણ વિરોધ જોવા મળ્યો જે અપેક્ષા હતી. વરિષ્ઠ એનસીપી નેતા પ્રફુલ પટેલે કહ્યું કે, કોઈ રાજ્યને એનઆરસી લાગુ કરવી પડે અને લોકોને અટકાયતી કેન્દ્રમાં રાખવા પડે તો તે અવ્યવહારિક હશે. અવા કેન્દ્રોમાં કેટલાક લોકોને રખાશે અને ક્યાં સુધી રાખી શકાશે ?