(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું છે કે, મને, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને વડાપ્રધાન બનવાની કોઇ મહત્વકાંક્ષા નથી. ૨૦૧૯ની ચૂંટણીઓમાં અમારે ભાજપને હરાવવા માટે દેશભરના વિપક્ષી દળોને એકજૂથ કરવાનો પ્રયાસ કરવો જોઇએ. એક ઇન્ટરવ્યૂમાં શરદ પવારે બહુજન સમાજ પાર્ટીને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે માયાવતી આવશે તો અમને ખુશી થશે અને તેનો ફાયદો પણ થશે.
પવારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે, હાલની રાજકીય સ્થિતિ ૧૯૭૭ જેવી છે. વડાપ્રધાન મોદી વિરૂદ્ધ એવી જ સ્થિતિ છે જેવી ઇન્દિરા ગાંધી વિરૂદ્ધ હતી. તેમણે કહ્યું કે, વિપક્ષનું ધ્યાન રાષ્ટ્રીય ગઠબંધન કરતા રાજ્ય સ્તરના ગઠબંધન પર હોવું જોઇએ. તેમણે રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે, તાજેતરની મંત્રણાથી તેમણે અનુભવ્યું છે કે, રાહુલ ગાંધીએ ઘણો સુધારો કર્યો છે. તેમણે કહ્યું કે, હું ઇમાનદારીથી અનુભવી રહ્યો છું કે, કેટલાક નેતા છે જેવા કે સોનિયા ગાંધી, દેવગૌડા અને મને વડાપ્રધાન બનવાની કોઇ મહત્વકાંક્ષા નથી. પણ મને આ તમામ શક્તિઓને એકસાથે લાવવા અને વ્યવહારિક વિકલ્પ પૂરો પાડવાની મહત્વકાંક્ષા જરૂર છે. આમાંથી અમારામાંથી કેટલાક નેતા સમગ્ર દેશનો પ્રવાસ કરી શકે છે અને સમગ્ર દેશને વિશ્વાસ અપાવી શકીએ છીએ કારણ કે, આજના સમયમાં કોઇ જયપ્રકાશ નારાયણ નથી. પવારે કહ્યું કે, તમામ વિપક્ષી દળોને એકસાથે લાવવા સંભવ નથી. આવા સમયે રાજ્ય સ્તર પર જ અમે ગઠબંધનના પ્રયાસ કરી રહ્યા છીએ. કોંગ્રેસે પણ સમજવું જોઇએ કે જ્યાં પ્રાદેશિક પાર્ટીઓ મજબૂત છે ત્યાં તેમને નેતૃત્વ પુરૂ પાડવું જોઇએ. કેરળ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી એવા રાજ્યો છે જ્યાં ક્રમશઃ લેફ્ટ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નંબર વન છે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં વિપક્ષના તમામ સહયોગી દળોને એકસાથે લાવવું થોડું મુશ્કેલ છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં સામ-સામેની લડાઇ છે. આવા સમયે તેમની સાથે વાત કરવા અને એકસાથે લાવવા માટે મેં રાહુલ ગાંધીને કહ્યું છે કે, આ કામ તમારૂ છે. પવારે કહ્યંું કે તેઓ તાજેતરમાં માયાવતીને મળ્યા હતા. તેમણે યુપીમાં સમાજવાદી પાર્ટી અને અન્ય લોકોની સાથે મજબૂતી સાથે ગઠબંધન કરવાની વાત કરી છે. માયાવતીએ કહ્યું છે કે, અન્ય રાજ્યોમાં અન્ય પાર્ટીઓ ગઠબંધન માટે તર્કસંગત દૃષ્ટિકોણ રાખે. ૨૦૧૯માં સત્તા પરિવર્તન માટે તેઓ સંપૂર્ણ રીતે સહયોગ અને મહેનત માટે તૈયાર છે. મહારાષ્ટ્રમાં બસપા સાથે ગઠબંધન અંગેના સવાલ પર પવારે કહ્યું કે, આ અંગે માયાવતી સાથે વાત નથી થઇ પણ મને ખુશી થશે કે તેમનો સહયોગ મળે જેથી રાજ્યના વિદર્ભમાં ગઠબંધનથી ફાયદો થાય.
સોનિયા ગાંધી, દેવગૌડા અને હું વિપક્ષને એકજૂથ કરી શકીએ : શરદ પવાર

Recent Comments