(એજન્સી) પટણા, તા.૩૦
બિહારના વરિષ્ઠ નેતા લાલુ પ્રસાદયાદવે મહાગઠબંધન તરફે વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર નહીં કરવાની શરદ પવારની સલાહને સમર્થન આપ્યું છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે આ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીઓ જેવી ચૂંટણી નથી કે બે પક્ષોના વડાપ્રધાનના ઉમેદવારોના નામે ચૂંટણીઓ લડવામાં આવે.
મંગળવારે શરદ પવારે જણાવ્યું હતું કે મહાગઠબંધનની મહત્ત્વપૂર્ણ બાબત વડાપ્રધાનની પસંદગી છે પણ એના માટે ચૂંટણીઓ પહેલાં કોઈના પણ નામની જાહેરાત કરવામાં નહીં આવે. લોકસભાની ચૂંટણીઓ પછી જે પક્ષને સૌથી વધુ બેઠકો મળે એમને જ વડા પ્રધાનનો હોદ્દો આપવામાં આવે.
એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપતા યાદવે પણ જણાવ્યું કે વડાપ્રધાનની પસંદગી માત્ર પાંચ મિનિટમાં કરી શકાશે. ચૂંટણી પછી એવો જ વિચારધારાના પક્ષો ભેગા મળી પોતાનો ઉમેદવાર પસંદ કરી શકશે.
લોકસભાની ચૂંટણીઓ માટે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. ભાજપ વિભિન્ન રીતે વિરોધ પક્ષો પર હુમલાઓ કરતો રહે છે કે એમની પાસે વડાપ્રધાન પદના ઉમેદવાર જ નથી. વિરોધ પક્ષોની એક્તા નબળી છે એવો અનુભવ રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી વખતે થઈ ચૂક્યું છે.
વિપક્ષોની એકતા સહેલી નથી. જો ચૂંટણીઓમાં જીતી પણ જાય તો પણ વડાપ્રધાન અને અન્ય હોદ્દાઓ માટે ખૂબ જ મતભેદો રહેવાના છે.