(એજન્સી) નવી દિલ્હી, તા.ર
વિવાદિત રાફેલ સોદા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કથિત રીતે બચાવ કરવાની ટીકાનો સામનો કરી રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ (રાકપા) પ્રમુખ શરદ પવારે સોમવારે આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે તેઓ આવું ક્યારેય કરશે નહીં.
શરદ પવારે જણાવ્યું કે કેટલાક લોકોએ મારી નિંદા કરી કે મેં રાફેલ સોદા મુદ્દે વડાપ્રધાન મોદીને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે મેં નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું નથી અને ભવિષ્યમાં ક્યારેય સમર્થન આપીશ નહીં. પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એનસીપીના સંસ્થાપક સભ્ય તારિક અનવર અને મહાસચિવ મુનાફ હકીમે ગત સપ્તાહ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
પવારે રાફેલ સોદા મુદ્દે એવું નિવેદન આપ્યું હતું કે ફ્રાન્સ પાસેથી લડાકુ વિમાન ખરીદવાને લઈને લોકોને મોદીના મનસૂબા પર શંકા હોય તેવું મને લાગતું નથી. પવારના આ નિવેદન સામે વાંધો ઉઠાવી રાકપા સંસ્થાપક તારિક અનવર અને મહાસચિવ મુનાફ હકીમે રાજીનામું આપી દીધું હતું. પવારના તાજેતરના નિવેદનને મોદીના બચાવના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીએ પણ તેમના નિવેદન આવકાર્યું હતું. ભાજપ અધ્યક્ષ અમિતશાહે પવારનો આભાર વ્યક્ત કર્યો હતો.