National

ભાજપ સાથે ઇલુ ઇલુ કર્યા બાદ શરદ પવાર હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના આરે

(એજન્સી) તા.૨૯
છેલ્લા એકાદ વર્ષ કરતા વિવિધ જૂથોના કોંગ્રેસ નેતાઓ સંગઠિત છે અને તેઓ એક બાબતે ચોક્કસ છે કે આગામી ચૂંટણી જીતવા માટે તેમને શરદ પવાર અને તેમના રાજકીય પક્ષ એનસીપીની જરુર પડશે. મહારાષ્ટ્ર રાજ્ય કોંગ્રેસના વડા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે અમારે માત્ર હવે બેઠક વહેંચણી નક્કી કરવાની છે પરંતુ અમારી એક વાત સ્પષ્ટ છે કે અમે એનસીપી સાથે જોડાણ કરીશું. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણનું કહેવું છે કે જો પવારના ભત્રીજા અને સરકારમાં તેમના ડેપ્યુટી અજીત પવારને મારી કાર્યપદ્ધતિ અંગે કોઇ સમસ્યા હોય તો તેઓ તત્કાલીન પક્ષ પ્રમુખ (સોનિયા ગાંધી)ને ફરિયાદ કરી શક્યા હોત. પરંતુ એનસીપીએ ગઠબંધન અંગે જાહેરમાં જે હોબાળો કર્યો તેનાથી મને દુઃખ પહોંચ્યું હતું તેમ છતાં હું એક બાબતે સ્પષ્ટ છું કે આપણે એનસીપી સાથે જોડાણ કરવું જોઇએ. જો કે થોડા સમય માટે શરદ પવારે નરેન્દ્ર મોદીના નોટબંધીના પગલાને સમર્થન આપ્યું હતું અને મોદીએ પવારના વતન બારામતી જઇને તેનો બદલો આપ્યો હતો અને મોદીએ રાજનીતિમાં પવારને પોતાના ગુરુ ગણાવ્યા હતા. પરંતુ ત્યારબાદ શ્રેણીબદ્ધ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નોટબંધીને સમર્થન આપવાની મૂર્ખામી પુરવાર થઇ ગઇ હતી. ગ્રામીણ વિસ્તારોમાં એનસીપીનો દેખાવ કંગાળ રહ્યો હતો અને કોંગ્રેસનો દેખાવ સારો જોવા મળ્યો હતો. ત્યારબાદ રાફેલકાંડમાં પવારે મોદીને ક્લિનચીટ આપી હતી પરંતુ હવે પવારને આ ભૂલ સમજાતા તેમણે ક્લિનચીટ પાછી ખેંચી લીધી હતી અને એવો મત વ્યક્ત કર્યો હતો કે મોદી હવે વડાપ્રધાન તરીકે ફરી આવશે એવું હું માનતો નથી. આમ ગુમાવેલ વિશ્વસનીયતા પુનઃ પ્રસ્થાપિત કરવા પવારે જાહેરમાં જણાવ્યું છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન થશે. આમ શરદ પવારે ભાજપ અને મોદી સાથે થોડા સમય ઇલુ ઇલુ કર્યા બાદ હવે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે અને એનસીપી અને કોંગ્રેસ ધીમે ધીમે ગઠબંધનની દિશામાં નિકટ આવી રહ્યા છે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ૪૮ બેઠકમાંથી ૩૮ બેઠક પર કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સર્વાનુમતિ સધાઇ ગઇ છે. ઔરંગાબાદમાં શરદ પવારે જણાવ્યું હતું કે ૪૦ બેઠકો પર સર્વસંમતિ સધાઇ ગઇ છે.