(એજન્સી) મુંબઇ, તા.૨૬
એનસીપીના અધ્યક્ષ શરદ પવારની રાજકીય વિચારસરણીમાં બે દશક બાદ હવે પરિવર્તન થતું દેખાઈ રહ્યું છે. જે મુદ્દાને લઈને તેમણે ૧૯૯૯માં કોંગ્રેસથી અલગ થઈને એનસીપીની રચના કરી હતી તે મુદ્દાને હવે તેઓ છોડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. પવારને હવે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા દેખાઈ રહી છે. પવારનું કહેવું છે કે ગાંધી પરિવારમાંથી વડાંપ્રધાન રહેલા ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી આગળ આવ્યા હતા અને હવે રાહુલ ગાંધીએ નેતૃત્વ સંભાળ્યું છે. રાહુલ ગાંધી એક સારું નેતૃત્વ કરી રહ્યા છે. સતારમાં એનસીપીના ભૂતપૂર્વ ધારાસભ્ય વિક્રમસિંહ પાટણકરના અમૃત મહોત્સવના કાર્યક્રમમાં પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લેતા ક્હ્યુ હતુ કે ગત સાડા ચાર વર્ષોથી સત્તામાં રહેવા દરમિયાન તેમને ક્યારેય રામ યાદ આવ્યા નથી. આ ચાર વર્ષોમાં વિકાસના સપના દેખાડનારા મોદીએ કંઈ કર્યું નથી.
શરદ પવારે કહ્યુ છે કે દેશમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. ગત ચૂંટણીમાં મતદાતાઓએ ભાજપને સારી તક આપી હતી. હવે લોકોને સમજમાં આવ્યું છે કે ભાજપ રામમંદિરના નામે રાજકારણ ખેલી રહ્યું છે. મરાઠા અનામત સંદર્ભે પવારે કહ્યુ છે કે તેમને લાગતું નથી કે મરાઠા અનામત કોર્ટમાં ટકી શકશે. નોંધનીય છે કે પોતાના ચૂંટણી ભાષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વાર ગાંધી પરિવારે પર નિશાન સાધ્યુ છે. વડાપ્રધાને ઘણી વખત ઉલ્લેખ કર્યો છે કે એક પરિવારના કારણે દેશના ગરીબ લોકોનો વિકાસ થઇ શક્યો નથી. પીએમ મોદી રેલીયોમાં ગાંધી પરિવારના ૪૮ વર્ષના શાસન અને તેના ૪૮ મહિનાના શાસનની સરખામણી કરવાની વાત અનેક વખત કરી ચૂક્યા છે. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે વાકયુદ્ધ જામતું જોવા મળ્યું છે. ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન જ્યારે નિર્દોષ લોકો મરી રહ્યા હતા ત્યારે તેમણે કંઈ ન કર્યુ. પવારે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ૨૨ આરોપીઓને છોડી મુકવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ કયા પ્રકારનો દેશ છે? શું આને કાયદાનું રાજ્ય કહી શકાય? શું દેશમાં લોકોનાં હિતોનું રક્ષણ થી રહ્યુ છે? દેશમાં તાકાત ફક્ત ગણ્યા ગાંઠ્યા લોકોનાં હાથમાં જ રહી ગઈ છે.